બાબરા તાલુકાના ચમારડી ગામેથી ઘરેલું હિંસાની એક ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાને તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પારુલબેન દિલીપભાઈ દાફડા (ઉ.વ. ૩૫)એ પતિ દિલીપભાઈ કિશોરભાઈ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્ન ૧૪ વર્ષ પહેલાં થયા હતા. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યા બાદ, છેલ્લા કેટલાક સમયથી પતિ દ્વારા નાની-નાની બાબતોમાં વિવાદ કરવામાં આવતો હતો.પતિ અવારનવાર તેમને બિભત્સ ગાળો આપતો હતો. એટલું જ નહીં, આરોપી પિતા તરીકેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને પોતાના બાળકોની સારસંભાળ રાખવાનું પણ બંધ કરી દીધું હતું. પતિ દ્વારા તેમને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અંતે, આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































