આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે ૯૮ લાખના ખર્ચે બનાવાઈ રહેલી ત્રણ પાણીની ટાંકીઓમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી મુજબ, ગામમાં ચાલી રહેલી નિર્માણ કામગીરી અંગે સ્થાનિક લોકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટાંકીઓના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા સિમેન્ટની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત, ટાંકીઓમાં વપરાયેલા લોખંડના સળિયા પણ નક્કી કરાયેલા ધોરણ કરતા પાતળા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ ગંભીર ખામીઓને કારણે ભવિષ્યમાં ટાંકી તૂટી પડવાની અને જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.તપાસ રિપોર્ટ સામે આવતા તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સ્થળ પર જેસીબી મશીન દ્વારા બે ટાંકીઓને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાએ સરકારી કામોમાં ગુણવત્તાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે સંબંધિત કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચે નવી અને મજબૂત ટાંકીઓનું નિર્માણ કરવું પડશે. આ માટે સરકાર તરફથી કોઈ વધારાની ચુકવણી કરવામાં આવશે નહીં.ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.









































