ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ માટે કાર્યરત દેશની સર્વોચ્ચ સંસ્થા ‘હિન્દુ ધર્મ આચાર્ય સભા’નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજ આ અધિવેશનના યજમાન હતા. સ્વામી દયાનંદ સરસ્વતીજી દ્વારા સ્થાપિત આ સભામાં દેશના વિવિધ સંપ્રદાયોના આશરે ૯૦ જેટલા ધર્માચાર્યોએ ઉપસ્થિત રહીને અદભુત એકતાના દર્શન કરાવ્યા હતા. હાલમાં આ સભાને સંત કાર્ષ્ણિ શ્રી ગુરુશરણાનંદજી મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે. જ્યારે અધ્યક્ષ સ્થાને મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદજી મહારાજ અને કન્વીનર તરીકે પરમાત્માનંદજી મહારાજ સેવા આપી રહ્યા છે. આ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આખો દિવસ સંતોની સાથે રહીને વિવિધ વિષયો પર મંથન કર્યું હતું. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વી.એચ.પી.ના અધ્યક્ષ આલોકજીએ પણ ઉપસ્થિત રહ્યા હતા.








































