આનંદ અને રૂપા બાહુપાશમાં બંધાઈને ઊભા હતા એ દ્રશ્ય જોઈને શ્વેતા મનમાંને મનમાં જ સમસમી ગઈ. તેના કોડવંતા કાળજા ઉપર જાણે પીડાના. ‘છમ્મ.. છમ્મ..’ કરતા છમકારા થયા. આનંદ પર હાડોહાડ ગુસ્સો તો ચડ્યો પણ એ ગુસ્સો અંતે નફરત માં ફેરવાઈ ગયો. કાળજું જાણે ભડભડ બળતું હતું..
‘વિચારોમાં ને વિચારોમાં એ પૂનમચંદની દુકાન પાસેથી પસાર થઈ કે પૂનમચંદે બોલાવી, કેમ બેટા, રાવજીને ત્યાંથી અચાનક પાછી ફરી ગઈ? ત્યાં બેઠી નહીં?’
‘શું ધૂળ બેસે?’શ્વેતાના ચહેરા ઉપર રતાશ ધસી આવી.
પૂનમચંદને કશુંક રંધાતું હોવાની વાસ આવી એટલે દાણો દાબ્યો, ‘વળી શું છે? દાળમાં કંઈ કાળુ?’
‘અરે આખી દાળ જ બગડી ગઈ કાકા.’ શ્વેતા તીખી નજરે બોલી,’ કાકા ,મને હવે વધારે બોલાવો નહીં તો સારું છે.આજે હું જે બધા સીન સપાટા અને લીલા જોઈને આવી છું એનાથી તો મારું માથું ભમી ગયું છે કાકા..ઘોર કળિયુગ આવ્યો છે..’શ્વેતાના મુખમાંથી પીડા સાથે ઢગલો એક ગુસ્સો ય ઢોળાયો, “ એણે જેના ઘરે ખાધું એના ઘરે જ ખાતર પાડયું….મને કહેતાય લાજ આવે છે!!’’
“અરે , પણ તું કોની વાત કરે છે બેટા?? તે એવું તે શું જોયું ?’’ પૂનમચંદે સ્પષ્ટતા કરાવવા શ્વેતાને છઁછેડી.:’’કારણ વગરની તું એકદમ ગુસ્સે થઈ ગઈ?? જ્યારે અહીંથી એ માસ્તર ને ઘેર જવા નીકળી હતી ત્યારે તો હસતી હસતી જતી હતી..મેં તને જોઈ હતી બેટા..???કંઈક માંડીને વાત કર તો ખબર પડેને? કોણ હતું એ?’’
‘બીજું તે વળી કોણ હોય?’ શ્વેતા કહેતી ગઈને પૂનમચંદ એ ચપટી વગાડી. તેના હૈયે ઈર્ષ્યાની આગ પ્રસરી ગઈ હતી. એ જે તકની રાહ જોઈને બેઠો હતો એ તક દરવાજે દસ્તક દઈ રહી હતી.હવે પોતાના મનનો મનસૂબો પાર પાડવાનો હતો. તેણે શ્વેતા ને વધુ ઔર છંછેડતા કહ્યું,‘ હેં?? તું શું વાત કરે છે બેટા! આ તો ઘોર કળજુગ આવ્યો.આ તો જેના ઘરે ખાધું એના ઘરે જ ખાતર પાડ્યું??!! આ તો હવે હદ થઈ ગઈ કહેવાય..’ જવાબમાં શ્વેતા ફાટ ફાટ થતા મગજે ઘેર જવા નીકળી ગઈ. અને પૂનમચંદને ભત્રીજો જયચંદ યાદ આવ્યો કોઈ એવી તરકીબ માટે જયચંદ ઉસ્તાદ હતો. ધીરે ધીરે પ્લાન પૂનમચંદના મગજમાં દોડવા લાગ્યો. એણે જયચંદને તાત્કાલિક ટપાલ લખી નાખી. વળતે દિવસે અરજણને બોલાવવાનું નક્કી કરી લીધું. અચાનક તેને તેના બનેવી યાદ આવ્યા. કાવાદાવાના જાણકાર બનેવીની યાદે તેમનામાં હિંમત આવી ગઈ. હવે પોતાના પાસા પાર પડશે..એક એવો કારસો તેના મગજમાં આકાર લઈ રહ્યો હતો કે એ કારસો ભવિષ્યમાં આનંદ અને રૂપાની જિંદગી ખાનાખરાબ કરી નાખવાનો હતો.રફેદફે કરી નાખવાનો હતો..!!
**
રૂપાને જોવા માટે મહેમાનો આવી ગયા. આમ તો બધું જ નક્કી જ હતું. આ તો ખાલી જોવાવાટ હતી. વચ્ચે રાવજીભાઈના સાળા હતા. એટલે ચિંતા નહોતી. બે સ્ત્રી અને બે પુરુષો અને મધ્યસ્થી તરીકે રૂપાના મામા હતા.
આનંદ ત્યાં જ બેઠો હતો. છોકરાવાળા ચંદ્રકાંતભાઈના વતનના ગામની બાજુના જ હતા એટલે ઓળખાણ નીકળી હતી. ચા પાણી પીવાઈ ગયાં. બન્ને પક્ષે પાક્કું થઈ ગયું. ગોળધાણા ખવાઈ ગયા. જોડાજોડ ઊભેલી પુત્રવધૂ ઉપર અમીદૃષ્ટિ નાખતાં સાસુ, સમતા જાણે ધન્ય ધન્ય થઈ ગઈ હતી. દીવો લઈને ગોતવા નીકળો તોય આવું રતન મળે નહીં. ભાગ્ય જરૂર પલટાણાં હતાં. આજે પહેલું નોરતું હતું. દશેરાનું ચાંદલા- ચૂંદડી ઓઢાડવાનું મુહુર્ત નક્કી કરીને જ એ લોકો ગયા.
**
બાદલગઢની નવરાત્રી પહેલી જ વાર માણતો આનંદ નવરાત્રીનું નવલું પર્વ માણતાં માણતાં મદહોશ બની જતો. રોજ રાતના નવ-સાડાનવે બાદલગઢના ચોકમાં ગામની યુવતીઓ અને જુવાનો ગરબા ગાતા. ભક્તિના હેલે ચડતાં ઘેરદાર ઘાઘરા,ચસચસતી ચોળી અને ઊડ ઊડ થતી ઓઢણીઓની માલીપા, લચકતા મનમોહક અંગમરોડ અને એમાંય પાછું રૂપાનું હૂંફાળું સાન્નિધ્ય! રૂપાનો ઠસ્સો અને મસ્તીલી કાયાનો કેવડો મહેકી ઉઠ્યો હતો. સ્વર્ગની અપ્સરા જાણે ધરતી લોક ઉપર ગરબા રમવા આવી હોય એવી આકર્ષક અને પદમણી જેવી લાગી રહી હતી.એના રોમેરોમમાંથી રૂપ, ઢોળાય રહ્યું હતું. એની આખેઆખી કાયા જાણે રૂપની ચાસણી હોય એવી સોહામણી લાગી રહી હતી. એની કેડયનો ઉલ્લાળો અને મારકણી આંખો ના ઇશારા,એની નમણી મ્હોં ફાડ માંથી ઢોળાય રહેલું સ્મિત અને ગરબા લેતી વખતે એની કાયાનો હિલ્લોળ ગામના જુવાનિયાવના હૈયાને ઝટકો મારતો. નવરાતના નવેનવ દિવસ આનંદ, રૂપાના લયહિલ્લોળ અને નર્તનમાં પાગલ થઈને બેસી રહેતો પણ આઠમને દિવસે અચાનક આનંદને મિત્ર હર્ષદ તેડવા આવી ચડયો.!
હર્ષદનું બાદલગઢમાં આવવું એ આનંદ માટે તો ધન્યભાગ્ય હતું. તેનો દિલોજાન દોસ્ત મહેમાન બનીને આવ્યો એ તેને ખૂબ ગમ્યું હતું. છતાં આનંદે તેને પૂછ્યું,કે કેમ અચાનક ??
જવાબમાં હર્ષદે કહ્યું કે પોતે હમણા બે-ત્રણ દિવસની રજા મૂકીને આવ્યો છે અને ખાસ તો સુમનભાભીને દશેરાને દિવસે ચૂંદડી ઓઢાડવા જવાનું હતું તેથી બાએ પોતાને તેડવા માટે જ મને ખાસ મોકલ્યો છે. એનો જવાબ હર્ષદને જો કે જરાય ગમ્યો નહી.કેમ કે માં ને પોતાના ઉપર આટલો ય વિશ્વાસ નહોતો??
પણ તેણે એ બારામાં હર્ષદ ને કશું કહ્યું નહી એ તો ઊલટાનો કહેવા લાગ્યો કે, પોતે આવતી કાલે સવારમાં ચોક્કસ નીકળવાનો જ હતો, છતાં પણ નિર્મળાબહેનને વિશ્વાસ ન આવ્યો હોય એટલે હર્ષદને બાદલગઢની નવરાત્રી જોવા માણવા મળી. ગામ તો સુંદર હતું જ, પણ નવરાત્રીમાં ગામડામાં મજા આવે એની અનુભૂતિ હર્ષદને પહેલી વાર થઈ! . પોતે જ્યાં ધરમપુરમાં નોકરી કરતો હતો ત્યાંના અબુધ લાગતા માણસોને તો કદાચ આવી સેંજા જ ન હોય એમ લાગતું હતું.
નવરાત્રીના પટાંગણમાં હર્ષદ પણ રૂપાને ગરબે ઘૂમતા જોઈ રહ્યો. રૂપાનું રૂપ, લાવણ્ય યૌવનનો થનગનાટ જોઈને તેને થયું, આનંદની લાગણી ખરેખર સાચી છે. ક્યાં સુમનભાભી અને ક્યાં રૂપા? રૂપાની તોલે તો સુમનભાભી આવી જ ન શકે. હર્ષદ રૂપાને ગરબે ઘૂમતી એકીટશે નિહાળી રહ્યો હતો.રૂપાના નર્તનમાં આભિજાત્ય હતું. લય હતો. યૌવનનો રાગ તો હતો એ તો ખરું, પણ કોઈ પણ યુવાનને પોતાની તરફ ખેંચી લે એવો
આભાર – નિહારીકા રવિયા અનુરાગ પણ હતો. હર્ષદ તેની સામે ને સામે તાકી જ રહ્યો હતો… આનંદે હસીને તેને પૂછ્યું, ‘શું જુએ છે?’
‘રૂપા ને..’ હર્ષદ, પોતાના પરમ મિત્ર આનંદની આંખોમાં આંખ નાખીને પુનઃ બોલ્યો, એક માત્ર રૂપાને….!!’ (ક્રમશઃ)








































