ધારી તાલુકામાં આવેલા ગોપાલગ્રામ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગામોમાંથી ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમિયાન કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત ખેડૂતોને વર્તમાન સમયમાં ઝેરી રસાયણોના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃત કર્યા હતા અને તેના વિકલ્પ રૂપે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. નિષ્ણાતોએ જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની વૈજ્ઞાનિક રીત વિશે વિગતવાર પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનની ઘટતી જતી ફળદ્રુપતાને બચાવવાનો અને ખેતીમાં થતા મસમોટા ખર્ચને ઘટાડી ખેડૂતોની આવક બમણી કરવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને જૈવિક કીટનાશકો અને કુદરતી ખાતરના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. અંતમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોએ પર્યાવરણ અને સ્વાસ્થ્યના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.