બાબરા તાલુકાના સુખપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંતાનને માર મારવા બાબતે પતિએ ઠપકો આપતા, પત્નીને મનમાં લાગી આવતા તેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જાહેર કરનાર આશાબેન સાગરભાઇ મકવાણા (ઉ.વ.૨૮)નો ૩ વર્ષનો પુત્ર તેના પિતા પાસે મોબાઈલ ફોન જોવા માટે જીદ કરતો હતો. પિતાએ ફોન આપવાની ના પાડતા બાળક જોરજોરથી રડવા લાગ્યો અને તોફાન કરવા માંડ્‌યો હતો. બાળકના તોફાનથી કંટાળીને માતાએ તેને ગાલ પર લાફો મારી દીધો હતો. આ જોઈને તેના પતિ પત્ની પર ગુસ્સે થઈને બાળકને માર ન મરાય તેમ કહી ઠપકો આપ્યો હતો.પતિના આ ઠપકાથી મહિલાને મનમાં અતિશય લાગી આવ્યું હતું. પરિણામે, સાંજના સાતેક વાગ્યે ઘરની પાછળ આવેલી પાણીની કુંડી પાસે પડેલી ‘મોનોકોટો’ નામની ઝેરી દવાની બોટલમાંથી બે ઘૂંટડા પી લીધા હતા.આમ નાની વાતમાં પરિણતાએ દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.જી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.