અમરેલી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણાએ આટકોટના રહેવાસી અક્ષય જનીભાઈ સાઢમિયા સામે પૂરતા પુરાવા એકત્ર કરી પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા પોલીસ વડા મારફતે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ થતા, લોકોની મિલકત અને જાહેર શાંતિને જોખમરૂપ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું. ત્યારબાદ એલસીબી પીઆઈ એ.ડી. ચાવડા અને તેમની ટીમે આરોપીની ધરપકડ કરી તેને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ખસેડ્‌યો હતો. આ જ રીતે બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. શેઠે જસદણના મહમદહુસેન હબીબભાઈ કટારીયા સામે પુરાવા એકત્ર કર્યા હતા. જિલ્લા કલેક્ટરે પાસા વોરંટ ઇસ્યુ કર્યા બાદ એલસીબી ટીમે તેની ધરપકડ કરી મહેસાણા જિલ્લા જેલમાં મોકલી દીધો છે. આરોપી સામે કુલ ચાર ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.