એએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ હજ યાત્રીઓ માટેના વિમાનભાડા અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ઓવૈસીએ લખ્યું છે કે હજ સમિતિ “હવાઈ ભાડામાં તફાવત” ના નામે હજ યાત્રાળુઓ પાસેથી વધારાના ૧૦,૦૦૦ ની માંગ કરી રહી છે. આ પછી થોડા મહિના પહેલા જ મુંબઈથી રવાના થતા દરેક મુસાફર પાસેથી ૯૦,૮૪૪ વસૂલવામાં આવ્યા હતા. આ સામાન્ય મુસાફરો માટેના વર્તમાન દર કરતા લગભગ બમણું છે. ઓવૈસીએ પોતાની પોસ્ટમાં નોટિસનો ફોટો પણ શેર કર્યો.
ઓવૈસીએ પૂછ્યું, “શું હજ યાત્રાળુઓને હજ સમિતિ દ્વારા મુસાફરી કરવા બદલ સજા આપવામાં આવી રહી છે? આ ફક્ત શોષણ છે. મોટાભાગના હજ યાત્રાળુઓ શ્રીમંત નથી; તેઓ હજ પર જવા માટે વર્ષોથી પૈસા બચાવે છે. આ તેમના માટે વૈભવી નથી.” તેમણે કહ્યું કે આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ અને હજ યાત્રાળુઓ પાસેથી એકત્ર કરાયેલા પૈસા તેમને પરત કરવા જોઈએ.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટને કારણે, સરકારે હજ યાત્રાળુઓ માટે નોટિસ જારી કરી હતી. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે ૨૦૨૬ માં હજ યાત્રા કરી રહેલા યાત્રાળુઓએ વધારાના ?૧૦,૦૦૦ જમા કરાવવા પડશે. બધા યાત્રાળુઓએ ૧૫ મે સુધીમાં આ રકમ ચૂકવવાની રહેશે.
નોટિસ અનુસાર, યાત્રાળુઓ ગમે તે શહેરથી મુસાફરી કરી રહ્યા હોય, પછી ભલે તે મુંબઈ હોય, દિલ્હી હોય કે અન્ય કોઈ જગ્યાએ, તેમણે વધેલી રકમ જમા કરાવવી પડશે. હજ સમિતિ ઓફ ઇન્ડિયાએ આ વિશે બધાને જાણ કરી છે, અને અસદુદ્દીન ઓવૈસીએ તેને શોષણ ગણાવ્યું છે.








































