રાજકોટ જામનગર બાદ હવે અમદાવાદમાં પણ નાટક ‘હું, નથુરામ ગોડસે’નો કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. અમદાવાદમાં રવિવારે રાતથી આ નાટકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ હોલમાં નથુરામ ગોડસે પર આધારિત એક નાટક ભજવવામાં આવવાનું હતું. આ નાટક મંચસ્થ થાય તે પહેલાં જ શહેરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.એનએસયુઆઇ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) ના કાર્યકરોએ રવિવારે રાતે જ હોલમાં પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો અને નાટકનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીજી અમર રહો, ગોડસે મુર્દાબાદના લખાણ લખી વિરોધ નોંધાવ્યો છે. પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં દીવાલો પર લખાણ લખીને વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકરોએ પંડિત દીનદયાલ હોલની દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ ના લખાણો લખી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ ગોડસે વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગાંધીજીના હત્યારાનું મહિમામંડન કરતું કોઈપણ નાટક ગુજરાતની ધરતી પર સહન કરવામાં આવશે નહીં.
નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરો દ્વારા બોડકદેવ સર્કલ પાસે ગોડસેનો વિરોધ કરવામાં આવ્યો છે. જાહેર દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી, ગોડસેના ફોટા પર કાળી સહી નાંખી વિરોધના પોસ્ટર લગાવ્યા છે. તો બીજી તરફ નાટકનો પ્રચાર કરવા માટે આજના સમાચારપત્રોમાં બુકિંગ માટેની એડ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, શનિવારે રાત્રે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ નાટકમાં જે ચરખાનો ઉપયોગ થવાનો હતો, તે છીનવવાનો પ્રયાસ કરતાં માહોલ ઉગ્ર બન્યો હતો. ઘટનાના વાઇરલ વીડિયોમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસનું ઘર્ષણ જાવા મળ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોનો આરોપ હતો કે, “આ નાટકમાં ગાંધીજીના હત્યારાઓને હીરો ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”









































