વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ‘ઓપરેશન સરકાર ચોરી’ શીર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં ફોર્મ-૭ ભરવામાં આવીને મોટા પ્રમાણમાં સાચા મતદારોના નામ કાઢવાનું કાવતરુ કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરમાં અંદાજે ૪૭,૦૦૦ મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ વાંધાઓમાં ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી હોવાનો આરોપ છે. ખાસ કરીને ભાજપના કોર્પોરેટર અજીત દધીચે ૧૨૨ વાંધા ઉઠાવ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે ૩૦ વાંધા ઉઠાવ્યા હોવાના પણ પુરાવા રજૂ કરાયા છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વ્યક્તિઓ પાસે એકથી વધુ ઇપીઆઇસી (મતદાર ઓળખ કાર્ડ) હોવાનો મામલો પણ સામે આવ્યો છે. દેવેશ પટેલ નામના વ્યક્તિ પાસે ૨૫ ઇપીઆઇસી આઈડી અને સીએન માછી નામના વ્યક્તિ પાસે ૨૦ ઇપીઆઇસી આઈડી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. એક વ્યક્તિ પાસે એટલા બધા મતદાર કાર્ડ કેવી રીતે હોઈ શકે તે બાબત તપાસનો વિષય હોવાનું કોંગ્રેસે કહ્યું છે.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાષીએ જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચે મિલાભગત કરીને સાચા મતદારોના નામ કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમનો આરોપ છે કે આ પ્રકારની કાર્યવાહી દ્વારા કોંગ્રેસના મતદારોને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કોંગ્રેસે આ મામલે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને અનેક વખત રજૂઆત કરી હોવાની પણ માહિતી આપી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી ફરિયાદ પણ કોંગ્રેસે કરી છે. તેમણે કલેક્ટરને ચેલેન્જ આપી કહ્યું કે અમે આપેલા પુરાવા ખોટા સાબિત કરીને બતાવે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે વડોદરાની પાંચ વિધાનસભા બેઠકમાં આ પ્રકારની ગેરરીતિ થઈ છે, જેમાં મહિલા મંત્રીના વિસ્તારમાં પણ ખોટા વાંધા લેવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવા માટેના ફોર્મ ભર્યા હોવાની પણ વાત કરી છે અને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
આ સમગ્ર ઘટનાએ વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. હવે ચૂંટણી પંચ અને સરકાર આ મામલે શું પગલાં લે છે તે જાવાનું રહેશે.








































