રવિવારે મોડી સાંજે ભાવનગરમાં ભાજપના નવા સંગઠનની યાદી જાહેર કરાઈ હતી. આ જાહેરાતની થોડી જ કલાકોમાં દુખદ સમાચાર આવ્યા હતા, અને ભાજપને શહેર પ્રમુખનું નામ બદલવું પડ્યું હતું. નવા સંગઠનમાં બક્ષીપંચ મોરચાનું પ્રમુખપદ ભાવેશ રબારીને સોંપાયું હતું, પરંતું આ જાહેરાતની થોડી ક્ષણોમાં જ તેમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. ત્યારે ભાવનગર ભાજપમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો.
ભાવનગર શહેર ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની યાદીની જાહેરાત થઈ. ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહે રવિવારે મોડી સાંજે યાદી જાહેર કરી હતી. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, યુવા, મહિલા મોરચાઓના પ્રમુખ-મહામંત્રીઓની નિમણૂંક રાઈ હતી. ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નવા સંગઠન માટે અગાવ ટીમોની રચના કરવામાં આવી હતી. પરંતુ ભાવનગર શહેર માટે કોઈ નિર્ણય ન લેવાતા કાર્યકરો અને પક્ષના સહયોગીઓમાં ભારે કચવાટ ફેલાયો હતો.
જે ઉત્સુકતાનો અંત આવતા શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મોડી સાંજે નવા હોદ્દેદારોની નિમણૂંક યાદી જાહેર કરી હતી. જેમાં ભાજપના મુખ્ય હોદ્દેદારોમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી સામેલ છે. આ ઉપરાંત યુવા મોરચા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રી, કિસાન મોરચા, બક્ષીપંચ (ઓબીસી) મોરચા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા, લઘુમતી મોરચા સહિતના પ્રમુખ-મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ છે. ત્યારે આ જાહેરાત ભાજપ માટે દુખદ બની રહી હતી. મોડી સાંજે નવા હોદ્દેદારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં બક્ષીપંચના મોરચાના પ્રમુખ તરીકે ભાવેશ રબારી નિમણૂં કરાઈ હતી. આ જાહેરાતની થોડી ક્ષણોમાં જ ભાવેશ રબારીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. સાંજે ૬.૩૦ કલાકે યાદી જાહેર થઈ હતી. તે દરમિયાન તેઓ કામથી બહાર ગયા હતા. ત્યાં અચાનક તેઓને છાતીમાં દુખાવો ઉપડયો હતો. જેથી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, ભાજપ પરિવારમાં દુખની લાગણી ફરી વળી હતી.