• પ્રસ્તાવના:- ભારતીય કૃષિમાં પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ સુધારેલી ખેત પદ્ધતિઓ/તકનીકો અપનાવવામાં આવે છે, છતાં પણ દિવસે-દિવસે નિંદામણો એક ગંભીર સમસ્યા બની રહે છે. ખાસ કરીને પરોપજીવી નિંદામણો પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે, કારણ કે તે પોતે ખોરાક બનાવવાને બદલે યજમાન છોડ પરથી પાણી અને પોષક તત્વો મેળવી યજમાન પાકને કમજોર બનાવે છે. આવા પરોપજીવી નિંદામણો પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર સીધી નકારાત્મક અસર કરે છે.
પરોપજીવી નિંદામણોમાં મુખ્યત્વે અમરવેલ, આગિયો, વાંદો અને વાકુંભો જેવા નિંદામણોનો સમાવેશ થાય છે. આ નિંદામણો લાંબા સમય સુધી જમીનમાં જીવંત રહેતા હોવાથી અને ઝડપથી ફેલાતા હોવાથી તેમનું નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ બને છે. તેથી ખેડૂતો માટે આ નિંદામણોની ઓળખ, લક્ષણો અને યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ જાણવી અત્યંત જરૂરી છે.
પરોપજીવી નિંદામણોનાં પ્રકાર અને લક્ષણોઃ-
૧. અમરવેલ (Cuscuta/ પીળી વેલ / આકાશવેલ): અમરવેલ એક સંપૂર્ણ પરોપજીવી નિંદામણ છે, જેમાં લીલા પાંદડા હોતા નથી. તે પાતળી પીળી અથવા નારંગી વેલ રૂપે યજમાન છોડને લપેટાઈ જાય
આભાર – નિહારીકા રવિયા છે અને હાઉસ્ટોરિયા દ્વારા છોડમાંથી પાણી તથા પોષક તત્વો ચૂસી લે છે. અમરવેલ મુખ્યત્વે બાગાયતી પાકો, સુશોભનનાં પાકો અને ચારા પાકોમાં ભારે નુકસાન કરે છે. તેના ઉપદ્રવથી છોડ પીળો પડી જાય છે, વૃદ્ધિ અટકી જાય છે અને ઘણી વખત યજમાન પાક આખો નષ્ટ થાય છે. આ વેલ ઘણા બધા વિષાણુંજન્ય રોગોનો પણ ફેલોવો કરે છે
નિયંત્રણઃ
• નિંદણમુક્ત અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ.
• અસરગ્રસ્ત છોડ સાથે અમરવેલ કાઢી અથવા બાળીને નષ્ટ કરવી.
• ખેતરને સમયાંતરે ફરજિયાત વેલ-વેલાઓથી મુક્ત રાખવું.
• પાક ફેર-બદલી અપનાવવી.
• ૦.૧% પેરાક્વેટ દ્રાવણનો ખુબ જ સાવચેતીપૂર્વક મુખ્ય પાકની કાપણી બાદ ઉપયોગ કરવો.
૨. આગિયોઃ- આગિયો એક પરોપજીવી નિંદણ છે, જે મુખ્યત્વે જુવાર, બાજરી અને અન્ય ખેત-પાકોમાં જોવા મળે છે. આગિયો પાક સાથે પાણી, પોષકતત્વો અને જગ્યા માટે હરીફાઈ કરે છે. આગિયાના ઉપદ્રવથી પાકની વૃદ્ધિ ધીમી પડે છે અને ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આગિયાનો માત્ર એક જ છોડ ૯૦,૦૦૦-૫,૦૦,૦૦૦ બીજ/સીડ ઉત્પાદન કરી શકે છે.
નિયંત્રણઃ- • જો આગિયો દેખાય તો તેમાં ફૂલ આવે એ પહેલા જ, ઉપાડીને નાશ કરવો • ૨-૩ % કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવીને ડ્રેન્ચીંગ કરવું જોઈએ.
• ત્રણથી ચાર અઠવાડિયાનાં અંતરે ૨, ૪-ડ્ઢ નો છંટકાવ કરવો.
• ખેતર સ્વચ્છ રાખવું.
૩. વાકુંભોઃ- વાકુંભો એક પરોપજીવી નિંદણ છે, જે તમાકુ, બટાકા, રીંગણ, ટામેટા તથા સૂર્યમુખી જેવા પાકોમાં મુખ્યત્વે જોવા મળે છે. આ નિંદણ યજમાન છોડના મૂળ વિસ્તારમાં વિકસીને પાકના પોષકતત્વો ચૂસી લે છે. વાકુંભોના કારણે પાકની ઉપજમાં ૩૦ થી ૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેના બીજ જમીનમાં લાંબા સમય સુધી જીવંત રહી શકે છે, જેથી તેનો ઉપદ્રવ વારંવાર જોવા મળે છે.
નિયંત્રણઃ
• સર્ટિફાઈડ અને વિશ્વાસપાત્ર બિયારણ વાપરવું જોઈએ.
• ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
• ભારે ઉપદ્રવવાળા છોડ ફૂલ પહેલા દૂર કરી નષ્ટ કરવા.
• વાવેતર પહેલાં નિંદણનાશક દવાઓનો યોગ્ય ઉપયોગ હિતાવહ છે.
૪. વાંદોઃ- વાંદો એક અર્ધ-પરોપજીવી વનસ્પતિ છે, જે મુખ્યત્વે કેરી, ચીકુ, જામફળ, લીંબુ જેવા ફળઝાડોમાં જોવા મળે છે. તેમાં લીલા પાંદડા અને લાલ ફૂલો હોય છે, એટલે તે પોતે જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, પરંતુ પાણી અને ખનિજ તત્વો યજમાન ઝાડમાંથી ચૂસી લે છે. વાંદાના ઉપદ્રવથી ઝાડની ડાળીઓ સુકાવા લાગે છે અને ફળ-ધારણમાં ઘટાડો થાય છે.
લક્ષણોઃ
• ઝાડની ડાળીઓ પર ગાંઠ જેવી રચના જોવા મળે છે
• યજમાન ઝાડનાં પાંદડા પીળા પડવા લાગે છે.
• ફળ ઓછાં લાગવા.
નિયંત્રણઃ
• અસરગ્રસ્ત ડાળ કાપી – બાળીને નાશ કરવો.
• પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો અટકાવવો.
સારાંશઃ પરોપજીવી નિંદામણો ખેતી માટે ગંભીર પડકારરૂપ છે, કારણ કે તે યજમાન છોડમાંથી સીધું પોષણ મેળવી પાકને કમજોર બનાવે છે. અમરવેલ, આગિયો, વાંદો અને વાકુંભો જેવા નિંદણો પાકની વૃદ્ધિ અટકાવે છે, ઉપજ ઘટાડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને બાગાયતી અને ખેત-પાકોમાં તેમનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ સમસ્યાના અસરકારક નિવારણ માટે સંકલિત નિંદણ વ્યવસ્થાપન અપનાવવું જરૂરી છે. શુદ્ધ બીજ, સમયસર નિંદણ નિયંત્રણ, સ્વચ્છ ખેતી પદ્ધતિ, પાક ફેર-બદલી અને યોગ્ય રાસાયણિક નિયંત્રણ દ્વારા પરોપજીવી નિંદામણોનાં નુકસાનને ઘટાડી શકાય છે. યોગ્ય આયોજન અને તકેદારીથી પાકની તંદુરસ્તી જળવાઈ રહે છે અને ઉત્પાદન વધારી શકાય છે.