બગસરા શહેરમાં નદીપરા વિસ્તારમાં આવેલ મોહમ્મદભાઈ યુસુફભાઈ હિરાણીની મિલકત, જે વર્ષો સુધી પોસ્ટ વિભાગ પાસે ભાડાપટ્ટે હતી, તેને ખોટી રીતે હડપ કરી લેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. મૂળ માલિકનું ૧૯૮૩ માં મૃત્યુ થયા બાદ તેમના દસ વારસદારો પૈકી મોટાભાગના પાકિસ્તાનમાં વસવાટ કરે છે. જોકે, મુંબઈ ખાતે રહેતા હાતિમભાઇ હિરાણીએ પોતે એક જ વારસદાર હોવાનું ખોટું સોગંદનામું કરી મિલકત પોતાના નામે કરાવી વેચી નાખવાની તૈયારી કરી હતી. આ અંગે જાગૃત અરજદાર અકીલભાઈ વખારીયાએ જાણ કરતા એ.એસ.પી. ધારી જયવીર ગઢવી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ શત્રુ સંપત્તિને વેચવાનું કૌભાંડ ૨૦૧૬ થી ધીરે ધીરે શરૂ કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ માં પોસ્ટ ઓફિસ પાસેથી મિલકત ખાલી થતાં ખોટા સોગંદનામા કરી વારસાઈ દાખલ કરવામાં આવી અને ૨૦૨૩ માં બાંધકામની મંજૂરી મેળવી મિલકત વેચવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં ખોટી રીતે વારસાઈ દાખલ કરનાર સરકારી અધિકારીઓની પણ સંડોવણી બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પ્રકરણ બહાર ન આવે તે માટે આરોપીએ જ્ઞાતિ સમાજને પણ અંધારામાં રાખ્યો હતો. મિલકત જ્ઞાતિના ઉપયોગ અથવા દાન માટે આપવામાં આવશે તેવું વારંવાર લેખિતમાં જણાવી સમાજને ગુમરાહ કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.







































