ત્રણેય યુવકો વડીયા નજીક આવેલા ચારણીયા ગામે મિત્રના ઘરે ગયા હતા અને પરત ફરતી વખતે સર્જાઈ કરૂણાંતિકા
એક યુવક ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો
જૂનાગઢના ત્રણ પિતરાઈ ભાઈઓ તેમના એક મિત્ર સાથે વડીયા નજીક આવેલા ચારણીયા ગામે મિત્રના ઘરે ગયા બાદ ટાટા નેક્સન કારમાં પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે આશરે ૨ થી ૨.૩૦ વાગ્યાની આસપાસ બગસરાના હડાળા રોડ પર ડેરી પીપરીયાના પાટીયા નજીક ડ્રાઈવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર એક મહાકાય વૃક્ષ સાથે અથડાઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ વિકાસભાઈ સવજીભાઈ સાવલિયા (ઉં.વ. ૩૮, જૂનાગઢ), મંથનભાઈ રમેશભાઈ સાવલિયા (ઉં.વ. ૨૬, અને ધર્મેશભાઈ બાવનજીભાઈ સાવલિયા (ઉં.વ. ૨૭) બંને રહે. જલણસર તા.જૂનાગઢના કરૂણ મોત થયા હતા. અન્ય એક મિત્ર વિકાસભાઈ પરમાર (રહે. બાટવાદેવળી)ને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક બગસરા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહદારીઓએ પોલીસ અને ૧૦૮ ને જાણ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્રણેય લોકોના મૃતદેહનું બગસરા સરકારી દવાખાના ખાતે પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મૃતકના ભાઈ દેવેન્દ્રભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ વડીયા નજીક આવેલા ચારણીયા ગામે મિત્રના ઘરે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ કરૂણાંતિકા સર્જાઈ હતી.
મૃતક ત્રણેય પિતરાઈ ભાઈઓ થતા હતા
જૂનાગઢથી ત્રણ પિતરાઈ ભાઈઓ પોતાના મિત્ર સાથે વડીયા નજીક આવેલા ચારણીયા ગામે મિત્રના ઘરે ગયા હતા. જયાં તેઓ રાત્રિના કામ પતાવી પરત જૂનાગઢ જવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક જ બગસરા પાસે ડેરી પીપરીયા ગામના પાટીયા પાસે પહોંચતા કારચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ઝાડ સાથે અથડાઈ હતી અને કાર પડીકુ વળી ગઈ હતી જેમાં ત્રણ પિતરાઈ ભાઈઓના કરૂણ મોત નિપજયા હતા અને તેના મિત્રને સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
કારના પતરા ચીરીને મૃતદેહ બહાર કઢાયા
બગસરાના ડેરી પીપરીયા ગામ નજીક થયેલા અકસ્માતમાં કારચાલકે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતા કાર ગોથા મારી તોતીંગ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જારદાર હતો કે વૃક્ષની ડાળીઓ પણ તૂટીને પડી ગઈ હતી. ઝાડ સાથે કાર અથડાતા કાર પડીકુ વળી ગઈ હતી જેથી કારમાં ફસાયેલા ચારમાંથી ત્રણ લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. કારમાંથી મૃતદેહો કાઢવા માટે કારના પતરાને ચીરવા પડ્યા હતા.









































