સાવરકુંડલા-લીલીયા વિસ્તારના માર્ગ વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પીઠવડી–ગણેશગઢ–ગાધકડા–વિજપડી રોડના વિકાસ માટે રૂપિયા ૧૬ કરોડ મંજૂર કરાવ્યા છે. આ વિકાસ કામોમાં મુખ્યત્વે ડામર રોડનું રિસર્ફેસીંગ, જરૂરિયાત મુજબ સી.સી. રોડ, માર્ગ ફર્નિચર તેમજ અન્ય જરૂરી સ્ટ્રક્ચરલ કામગીરીનો સમાવેશ કરાશે. લાંબા સમયથી આ રોડની હાલત ખરાબ હોવાથી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે આ રોડ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ પીઠવડી, ગણેશગઢ, ગાધકડા અને વિજપડી સહિત આસપાસના ગામોના લોકો માટે આવન-જાવન વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે. સાથે જ ખેતી, વેપાર અને સ્થાનિક વિકાસને પણ નવી ગતિ મળશે. આ મંજૂરી માટે ધારાસભ્ય કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.










































