ભારત સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં કરવામાં આવેલા મોટા ફેરફારોને અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ આવકાર્યો છે. તેમણે આ નિર્ણયને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટેનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. તાજેતરમાં મળેલી ૫૬મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ ૧૨% અને ૨૮%ના સ્લેબ નાબૂદ કરીને, ૫% અને ૧૮%ના બે-સ્તરીય ટેક્સ માળખાનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવશે. આ ઉપરાંત, તમાકુ, પાન મસાલા જેવી વૈભવી અને હાનિકારક ચીજવસ્તુઓ માટે ૪૦%નો નવો ટેક્સ સ્લેબ રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હેર ઓઈલ, શેમ્પૂ, સાબુ, ટુથપેસ્ટ, દૂધ, પનીર, સાયકલ અને રસોડાનાં સાધનો જેવી સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે, કારણ કે તેને ૫%ના સ્લેબમાં મૂકવામાં આવી છે. સૌથી મોટી રાહત જીવનરક્ષક અને કેન્સરની દવાઓને મળી છે, જેના પર હવે ઝીરો (૦%) ટેક્સ લાગશે. સુરેશભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “આ જીએસટી ૨.૦ સુધારાઓ સામાન્ય માણસ, ખેડૂતો અને યુવાનોના હિતમાં છે. આનાથી વપરાશમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને વેગ મળશે.