જાફરાદબાદના મીતિયાળા ગામના જાગૃતીબેન મેઘજીભાઇ બાંભણીયા (ઉ.વ.૪૪)એ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ટ્રેક્ટર છાપની ૫ રૂપિયાની નોટના બદલામાં ૧૫ લાખ રૂપિયા મળશે’. આ લાલચમાં આવીને ફરિયાદીએ જાહેરાતમાં આપેલા વોટ્‌સએપ નંબર ૮૮૫૨૯૧૧૮૮૦, ૯૨૮૬૨૨૭૫૭૭ અને ૯૬૯૧૬૨૪૦૪૫ પર સંપર્ક કર્યો હતો. સામે પક્ષે રહેલા ઠગબાજોએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે અને પ્રોસેસ આગળ વધારવા માટે અલગ-અલગ બહાના હેઠળ પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં રજીસ્ટ્રેશન ફી અને જીએસટી (GST) પેટે ખર્ચ, આઈડી (ID) બનાવવા અને સરકારી માણસો તેમજ વીડિયોગ્રાફીના ખર્ચના બહાના બતાવ્યા હતા. આરોપીઓએ પોતે CBI ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને ડરાવ્યા હતા. જે બાદ આરોપીઓએ ફરિયાદીને ડરાવી-ધમકાવીને અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કટકે-કટકે કુલ રૂ. ૧,૪૧,૭૫૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા ફરિયાદીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી, ટેકનિકલ સર્વેલન્સના આધારે આ સાયબર ઠગ ટોળકી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.