પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સોમનાથ ધામથી ભવ્ય ‘સેવા યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના યુવાનો દ્વારા આયોજિત આ યાત્રાને રાજ્યના મંત્રી શ્રી કૌશિક વેકરીયા, મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને જુનાગઢના સાંસદ શ્રી રાજેશ ચુડાસમા સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નેતાઓએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની આ સફળ સફર માત્ર સત્તા માટે નથી, પરંતુ સતત જનસેવા, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણના સમર્પણની ગાથા છે. મુખ્યમંત્રીથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધી તેમણે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે વિકાસને નવી દિશા આપી છે. આ સેવા યાત્રા દ્વારા તેમના સેવાકાર્યોના સંદેશને જન-જન સુધી પહોંચાડવામાં આવશે. સંગઠનના યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાઈને યાત્રાને સફળ બનાવવા કાર્યરત છે.









































