અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા દસ્તાવેજામાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અલ-કાયદાના ભૂતપૂર્વ વડા ઓસામા બિન લાદેન ભારતને એવા દેશોની યાદીમાં સામેલ કરવા માંગતા હતા જ્યાં તે આતંકવાદી હુમલા કરવાનો ઇરાદો ધરાવતા હતા. આ માહિતી ૧૯૯૮ના રાષ્ટ્રપતિ દૈનિક બ્રીફમાં જાહેર કરવામાં આવી હતી.
સીઆઇએએ ઓસામા બિન લાદેન સંબંધિત ૭૦ થી વધુ રાષ્ટ્રપતિ ગુપ્તચર બ્રીફ્સને જાહેર કર્યા. આ દસ્તાવેજામાં ૧૦૦ થી વધુ પાનાની સામગ્રી છે. આ દસ્તાવેજા ૨૦૦૧ના ૯/૧૧ હુમલાની ૨૫મી વર્ષગાંઠ પર બહાર પાડવામાં આવ્યા હતા.
૨૮ ઓગસ્ટ, ૧૯૯૮ના રાષ્ટ્રપતિ બ્રીફમાં જણાવાયું હતું કે બિન લાદેન ઘણા દેશોમાં હુમલા કરવાનો ઇરાદો ધરાવતો હતો. તેમાં ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન, યુગાન્ડા અને સંભવતઃ નાઇજીરીયાનો સમાવેશ થાય છે. “બિન લાદેન આતંકવાદી નેટવર્ક એક ખતરો રહે છે” શીર્ષકવાળા દસ્તાવેજના કેટલાક ભાગો પ્રકાશિત કરવામાં આવ્યા નથી. તે ભારત અંગે ચોક્કસ સ્થાનો, હુમલાની તારીખો અથવા ચોક્કસ ઓપરેશનલ યોજનાઓ પ્રદાન કરતું નથી.
દસ્તાવેજમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનમાં બિન લાદેન અને અન્ય આતંકવાદી નેતાઓ સામે યુએસ કાર્યવાહી છતાં, તેમનું નેટવર્ક સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું ન હતું. તેમના સંદેશાવ્યવહાર કાર્યરત રહ્યા, અને કેટલાક આતંકવાદી છાવણીઓમાં તાલીમ ફરી શરૂ થઈ ગઈ.
અહેવાલ મુજબ, અલ-કાયદાના વડા અમેરિકા અને બ્રિટન સામે વધુ હુમલા કરવાની પણ તૈયારી કરી રહ્યા હતા. દસ્તાવેજમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે બિન લાદેન ઓછામાં ઓછા ૬૦ દેશોમાં વ્યક્તિઓ અને સંલગ્ન આતંકવાદી સંગઠનોના નેટવર્કનો ઉપયોગ હુમલાઓ માટે કરી શકે છે.
સીઆઇએ દ્વારા જાહેર કરાયેલા આ રાષ્ટ્રપતિના નિવેદનોમાં એ પણ ખુલાસો થયો છે કે ૧૯૯૮ થી ૨૦૦૧ દરમિયાન યુએસ રાષ્ટÙપતિઓને સંભવિત આતંકવાદી હુમલાઓની ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. આ દસ્તાવેજા બિલ ક્લિન્ટનના રાષ્ટ્રપતિથી લઈને જ્યોર્જ ડબલ્યુ. બુશના શાસનકાળ સુધી ફેલાયેલા છે. સીઆઇએએ આને તેની અત્યંત સંવેદનશીલ ગુપ્ત માહિતી અંગે અભૂતપૂર્વ પારદર્શિતા તરીકે વર્ણવ્યું છે. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ ના રોજ, ૧૯ અલ-કાયદાના આતંકવાદીઓએ ચાર પેસેન્જર વિમાનોનું અપહરણ કર્યું. આમાંથી બે વિમાનોએ ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ પર હુમલો કર્યો. હુમલા પછી બંને ઇમારતો ધરાશાયી થઈ ગઈ. ત્રીજું વિમાન યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના મુખ્ય મથક પેન્ટાગોન પર અથડાયું. ચોથું વિમાન, જે વ્હાઇટ હાઉસ અથવા યુએસ કોંગ્રેસને લક્ષ્ય બનાવ્યું હોવાનું માનવામાં આવે છે, મુસાફરોના વિરોધ પછી પેન્સિલવેનિયાના એક ખેતરમાં ક્રેશ થયું.









































