અમરેલીના પૌરાણિક અને ઐતિહાસિક નાગનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી તરીકે શીતલ આઈસ્ક્રીમના એમ.ડી. દિનેશભાઈ ડી. ભુવાની નિમણૂક થતાં શીતલ પરિવાર દ્વારા મંદિરે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દકુભાઈ ભુવાના નિવાસસ્થાનેથી એક ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. ધ્વજાજીને અત્યંત ભક્તિભાવ અને શ્રધ્ધાપૂર્વક નાગનાથ મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શિખર પર ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે સંતો – મહંતો, ખોડલધામ પરિવાર, લેઉવા પટેલ સમાજ, ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, ડોક્ટર્સ, અમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, મોટા બસ સ્ટેન્ડ વેપારી એસોસિએશન સહિત વિવિધ સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને શુભેચ્છકોએ દિનેશભાઈ ભુવા તથા ભુપતભાઈ ભુવા, સંજયભાઈ ભુવા,યશ,હાર્દિક,કેવલ અને જીત ભુવા સહિત ભુવા પરિવારને નવી જવાબદારી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના માધ્યમથી મંદિર અને સમાજની ઉત્કૃષ્ટ સેવાઓ થતી રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.









































