સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલા ઓમકાર રેસીડેન્સી બહાર પાર્ક કરાયેલી વેગેનર કારમાંથી એક યુવકની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક છેલ્લા પાંચ દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કારમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી કારમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. લાશની સ્થિતિ ખરાબ થઈ જતાં તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં યુવકનું મોત કેવી રીતે થયું તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે અકસ્માત, આત્મહત્યા કે હત્યાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.બીજી તરફ, ગત રોજ સુરતના પુણા વિસ્તારમાં પણ એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. લેક ગાર્ડનના ગેટ સામે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા પાંચ મહિનામાં હત્યાના બનાવોની સંખ્યા ૫૩ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઉભા થયા છે.