શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સુરત ખાતે દક્ષિણ ગુજરાત માટે ઐતિહાસિક જાહેરાત કરી છે. કામરેજ તાલુકાના અંત્રોલી ગામે ભવ્ય મંદિર સંકુલના નિર્માણ માટે જમીન સંપાદિત કરવામાં આવી છે. આ વિશાળ સંકુલમાં માં ખોડલના મંદિરની સાથે સામાજિક ઉત્કર્ષના વિવિધ પ્રકલ્પો સાકાર થશે. આગામી દિવસોમાં ભૂમિપૂજન વિધિ સાથે નિર્માણ કાર્ય શરૂ કરાશે, જે લાખો શ્રધ્ધાળુઓ માટે આસ્થા અને સંગઠનનું નવું કેન્દ્ર બનશે. ટ્રસ્ટ દ્વારા ઉત્તર ગુજરાતના સંડેર, અમદાવાદ અને વિદેશમાં લંડન ખાતે પણ નવા સંકુલ નિર્માણનું આયોજન છે. શ્રધ્ધાળુઓની સુવિધા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, હરિદ્વાર અને કાગવડ ખાતે અદ્યતન અતિથિ ભવન બનાવવામાં આવશે. જનસેવાના ભાગરૂપે રાજકોટના પડધરી પાસે ૪૩ એકરમાં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.










































