દક્ષિણ ગુજરાતની સહકારી રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં જાડાયેલા નેતા જયેશ દેલાડનું નામ સત્તાવાર મતદાર યાદીમાંથી દૂર કરાતા વિવાદ સર્જાયો છે.
આ ઘટનાએ સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. ચૂંટણી પૂર્વે લેવાયેલા આ નિર્ણયને ઘણા લોકો મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ તરીકે જાઈ રહ્યા છે. મતદાર યાદીમાંથી નામ હટાવવાના નિર્ણય સામે જયેશ દેલાડે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને રાજકીય પ્રેરિત ગણાવી અને આરોપ મૂકયો કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી નથી.તેમણે દાવો કર્યો કે કોઈ પૂર્વ જાણ કે સ્પષ્ટતા માંગ્યા વિના તેમનું નામ રદ કરાયું છે, જે લોકશાહી પ્રક્રિયાની ભાવનાને અનુરૂપ નથી.
જયેશ દેલાડે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ નિર્ણય સામે કાયદાકીય માર્ગ અપનાવશે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં હાઈકોર્ટમાં અરજી કરીને મતદાર યાદીમાંથી નામ દૂર કરવાના નિર્ણયને પડકારવામાં આવશે.તેમના જણાવ્યા અનુસાર, તેઓ આ મુદ્દે અંત સુધી લડત આપશે અને પોતાના હકો માટે કાનૂની કાર્યવાહી કરશે.
સુમુલ ડેરીની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જયેશ દેલાડે નવી પેનલ મેદાનમાં ઉતારવાની જાહેરાત પણ કરી છે. તેમણે દાવો કર્યો કે સહકારી સંસ્થામાં પારદર્શક અને જવાબદાર વહીવટ માટે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રહેશે.તેમણે સંકેત આપ્યો કે આવનારી ચૂંટણીમાં શાસક જૂથને મજબૂત પડકાર આપવામાં આવશે.
જયેશ દેલાડનું નામ મતદાર યાદીમાંથી રદ થતાં સુમુલ ડેરીની ચૂંટણી હવે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. રાજકીય અને સહકારી ક્ષેત્રના નિરીક્ષકો માને છે કે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.હાલ સમગ્ર મામલે સંબંધિત સત્તાધીશો તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ ચૂંટણી પૂર્વેનો આ વિવાદ સહકારી રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે.