સાવરકુંડલાની એરોગેસ એજન્સીમાં છેલ્લા બે માસથી ચાલી રહેલી ગંભીર ગેરવ્યવસ્થાને પગલે આખરે સ્થાનિક વહીવટી તંત્રએ વિતરણ વ્યવસ્થાની કમાન પોતાના હસ્તક લીધી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં હજારો ગ્રાહકો સિલિન્ડર અને કેવાયસી કામગીરી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ મામલે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને ઉચ્ચ અધિકારીઓની મુલાકાત બાદ આજથી પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ કાફલા દ્વારા વ્યવસ્થાનું સંચાલન શરૂ કરાયું છે. પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર હાલ ૩,૦૦૦ જેટલા સિલિન્ડરનું વેઇટિંગ છે, જે રોજના ૫૦૦ સિલિન્ડરના વિતરણ દ્વારા આગામી ત્રણ દિવસમાં સામાન્ય થઈ જશે. વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જનતાની માંગ છે કે મેનેજમેન્ટમાં નિષ્ફળ રહેલી આ એજન્સી વિરુદ્ધ કંપની કડક પગલાં ભરે અથવા એજન્સી બદલવામાં આવે જેથી કાયમી ઉકેલ મળી શકે. એજન્સી માલિકની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.










































