ભારતીય રાજકારણમાં વિપક્ષનો એક ગરવો ઈતિહાસ રહેલો છે. સેંકડો પ્રતિભાઓ વિપક્ષને ગરિમા અપાવી ગઈ છે. એવી પ્રતિભાઓ કે જેણે પ્રજાહિત મુદ્દે સરકારને ઝુકાવી છે. સંસદની અંદર અને બહાર બંને બાજુ સરકારે દરકાર રાખવી પડે એવા વિપક્ષનો લાંબો ઈતિહાસ રહેલો છે. એ વિપક્ષ પ્રજાના પ્રશ્ને, પ્રજાની પીડાએ શેરીઓમાં ઉતરતો અને સરકાર પાસેથી પરિણામો મેળવતો હતો. સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો, ઘડવામાં આવતી નીતિઓ લાંબાગાળે પ્રજાજીવન પર શું અસર આપશે, એ બાબતે વિપક્ષ જો અભ્યાસુ હોય તો આ નિર્ણય નીતિ નિર્ધારણમાં પણ સહયોગી હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. જેમ વાંચવું એ લેખકનો ધર્મ છે, ન્યાય એ ન્યાયાધીશનો ધર્મ છે, તટસ્થ આકલન પત્રકારનો ધર્મ છે, નીતિ એ વેપારીનો ધર્મ છે એમ પ્રજાહિત એ વિપક્ષનો ધર્મ છે. સરકાર અને પ્રજાની વચ્ચેનો એક અદ્રશ્ય સેતુ જે સરકારને પ્રજાહિત વિરુદ્ધના નિર્ણય લેતા અટકાવે છે. સરકારને સત્તામાંથી ઉતારી મુકવી કે સરકારનો વિરોધ કરીને સત્તામાં આવવું માત્ર વિપક્ષનો એજન્ડા ન હોઈ શકે. આજે ભારતના વિપક્ષના ઈતિહાસને યાદ કરવો પડે તેનું ખાસ કારણ આજના વિપક્ષની દયનીય સ્થિતિ છે.
ઈતિહાસને બે સંદર્ભે યાદ કરવો પડે છે, એક તો જો ઈતિહાસ ભવ્ય હોય અને આજની સ્થિતિ સાપેક્ષે ખરાબ હોય તો અને બીજું કે ભૂતકાળ ખરાબ હોય અને આજની સ્થિતિ સાપેક્ષે સારી હોય. આજે વિપક્ષને પહેલા સંદર્ભમાં યાદ કરવો પડે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એક વખત વિપક્ષમાં બેઠેલા અટલ બિહારી વાજપેયી વિશે કહ્યું હતું કે અટલ એકદિન તુમ ભારત કે પ્રધાનમંત્રી બનોગે. આવો તાકાતવર વિપક્ષ રહ્યો છે કે જેનું ભવિષ્ય ખુદ સત્તાધારી પક્ષનું સર્વોચ્ચ આસન ભાખી દે છે. આજના વિપક્ષની સ્થિતિ એવી છે કે લગભગ લગભગ રાજકીય વિશ્લેષકો, આમ જનતાનો મોટો તબક્કો એવું કહી રહ્યા છે કે પચીસ ત્રીસ વર્ષ વિપક્ષને સત્તામાં આવવાના કોઈ ચાન્સ નથી. રાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સ્તરે મુખ્ય વિપક્ષી પક્ષ સતત ચૂંટણીઓ હારી રહ્યો છે. દેશની જનતાનો મોટો વર્ગ માને છે કે વિપક્ષ પ્રજાહિતના મુદ્દાઓ ઉઠાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યો છે. જે મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે એ કાં તો સાબિત નથી થઇ રહ્યા કાં તો પ્રજાનું સમર્થન નથી મેળવી શકતા. બંને સ્થિતિમાં વિપક્ષની સ્થિતિ કોઈ દ્રષ્ટિકોણથી મજબૂત થતી દેખાઈ રહી નથી. સંસદ પરિસરમાં કૂતરું લઇ આવવા બાબતે અને વિપક્ષના સિનિયર નેતા દ્વારા પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં ભોં ભોં કહીને જવાબ વાળવાની બાબત તૂલ પકડી જવી દર્શાવે છે કે ચર્ચવામાં આવે એવા ગંભીર મુદ્દાઓની સદંતર અછત છે.
લોકશાહીમાં ચૂંટણી હારવી એક બાબત છે અને સતત હારતા રહેવા છતાં એ બાબતનું જ્ઞાન ન થવું કે એ દિશામાં સુધાર ન થવો અલગ બાબત છે. કોઈ કે કોઈ મોરચે વિપક્ષ દેશના કોઈપણ ખૂણે પોતાના મુદ્દાઓનું વાજબીપણું સાબિત નથી કરી રહ્યો. ટૂંકાગાળાના અને લાંબાગાળાના એમ બંને મુદ્દાઓ ઉઠાવવામાં અભ્યાસ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. ચંદ પ્રવક્તાઓ, પારિવારિક સિમ્બોલ અને પાળેલા પત્રકારોના મિથ્યા અપપ્રચારથી બહોળું જનસમર્થન પ્રાપ્ત થતું નથી એ ભાજપના અગિયાર વર્ષના શાસન દરમિયાન સતત સાબિત થતું રહ્યું છે. કોંગ્રેસ નહેરુએ કહેલી વાત જ ભૂલી ગઈ. નહેરુએ કહેલું કે જો પ્રદેશ જીતવાની સાથે પ્રજાને જીતી રાખો તો વારેવારે પ્રદેશ જીતવા જવું પડતું નથી. અંગ્રેજોએ ક્યારેય એક વખત જીતેલો પ્રદેશ ગુમાવ્યો નહોતો. કારણ કે અંગ્રેજોએ જીતેલા પ્રદેશમાં સુશાસન અને વ્યવસ્થા સ્થાપ્યા હતા. પ્રજાને જુલ્મી શાસકોના જુલમથી મુક્તિ અપાવી હતી.
ઘણા એવા મુદ્દાઓ હોય છે કે જેમાં વિપક્ષ સરકારને સમર્થન કરે તો પણ તેનો જનાધાર મજબૂત થઇ શકે છે. પણ દુર્ભાગ્યે વિપક્ષ એ તક પણ સતત ચૂકી જઈ રહ્યો છે. જે મુદ્દે તદ્દન સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય છે કે સરકાર અને આખા દેશનો મૂડ એક દિશામાં જઈ રહ્યો છે, ત્યાં પણ અલગ ચાલીને ખોટા કુતર્ક ચલાવીને પ્રજાના મોટા સમૂહની ખફગી વહોરી લે છે. વારેવારે સેલ્ફ ગોલ કરીને બેકફૂટ પર આવી જતો વિપક્ષ છેલ્લા અગિયાર વર્ષમાં સરકારને ક્યાંયે ભીંસમાં લઇ શક્યો નથી, ઉલટું ઘણા કેસમાં એ બચાવની કક્ષામાં આવી ગયો છે.
નબળો વિપક્ષ તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ નથી. સામાન્ય રીતે વિપક્ષનું નબળું હોવું સાપેક્ષ દ્રષ્ટીએ ક્યાયે દેખાઈ આવતું નથી. પણ સપાટીની નીચે તેની અસરો જરૂર રહેતી હોય છે. જો સત્તાપક્ષ દેશહિતને વરેલો ન હોય તો તેના નિર્ણયોમાં વિપક્ષની ગેરહાજરી વર્તાઈ આવે છે. સત્તાપક્ષને જન સમર્થન મળેલ છે, એ નિર્ણયો કરવા, નીતિઓ ઘડવા હકદાર છે, કોઈ સત્તાપક્ષ વિપક્ષને જરૂરથી વધુ જગ્યા ન આપે એ સ્વાભાવિક છે. વિપક્ષે જગ્યા બનાવવી પડે છે. સત્તાની સામે જગ્યા બનાવવી અઘરી છે, એમાં પણ જયારે સત્તા સારું પરફોર્મન્સ આપી રહી હોય. આવા કિસ્સાઓમાં સરકારની ભૂલો બહાર લાવવી મુશ્કેલ બની જાય છે. આજના સિનારિયોમાં સરકાર પાસે વિપક્ષનો મુકાબલો કરવા માટે પોતાના સારા પરફોર્મન્સ ઉપરાંત આજના વિપક્ષની દશકા પહેલાની સરકારની ભૂલો હાથવગા હથિયાર છે. દુર્ભાગ્યે વિપક્ષ સત્તાના અગિયાર વર્ષના શાસન દરમિયાન આવા કોઈ હથિયાર શોધી મેળવી શક્યો નથી.
છેલ્લા અગિયાર વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષ પાસે વિપક્ષ તરીકે બેસવાનો કોઈ બહોળો અનુભવ નથી. પણ, શીખવા માટે અગિયાર વર્ષનો અનુભવ ઓછો પણ નથી.
ક્વિક નોટ — ભારતની પ્રજા અશિક્ષિત હશે પણ અજ્ઞાની નથી અને લોકશાહીમાં સિંહાસન પર બેસવું એ ડિવાઈન રાઈટ નથી.–જવાહરલાલ નહેરુ
production@infiniumpharmachem.com











































