ખાંભા નજીક અમરેલી રોડ પર આવેલ સુપ્રસિદ્ધ પીંગલવીર હનુમાનજી મંદિર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક સીધો મંદિરની દિવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં મંદિરની દિવાલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે ધાર્મિક સ્થળો પાસે જ્યાં વૃદ્ધો અને બાળકોની અવરજવર વધુ હોય ત્યાં રોડની બંને તરફ ૫૦૦ મીટર દૂર મોટા બમ્પ બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.









































