હિપાવડલી ગામના રક્ષાબેન કચ્છીના સસરાએ વર્ષ ૨૦૧૧માં પેઢીનામામાં ભૂલથી પુત્ર ‘નલિન’ના બદલે ‘લલિત’ નામ લખાવતાં રક્ષાબેન છેલ્લા ૧૦ વર્ષથી જમીનની વારસાઈ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા. કાયદાની આંટીઘૂંટીના કારણે ન્યાય ન મળતાં આખરે તેમણે વંડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી મહેસૂલ અને કૃષિ વિભાગમાંથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ પોલીસે જિલ્લા કલેક્ટરને ખાસ રિપોર્ટ અને ભલામણ મોકલી હતી.
પોલીસ અને કલેક્ટર તંત્રના સચોટ સંકલનને પરિણામે કલેક્ટરે હુકમમાં સુધારો કરી રક્ષાબેનને તેમના હિસ્સાની ૧૧ વીઘા જમીનના વારસાઈ હક્કો પરત અપાવ્યા છે. આ કેસમાં વકીલ પરેશભાઈ તળાવીયાએ પણ કોઈ ફી લીધા વિના મદદ કરી હતી. પોલીસ અધિક્ષક સંજય ખરાતે આ ટીમવર્કને બિરદાવતા જણાવ્યું કે, ભવિષ્યમાં પણ જમીન, વ્યાજખોરી કે છેતરપિંડીના કેસોમાં પોલીસ તંત્ર આવી જ સંવેદનશીલતા સાથે પ્રજાની સેવામાં કાર્યરત રહેશે.









































