લીલીયા મોટા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના નાના-મોટા બનાવો બનતા હોવાની રજૂઆત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવી છે. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદીએ લીલીયા મોટા પોલીસ સ્ટેશનના અધિકારીને લેખિત રજૂઆત કરી ચોરીના બનાવોની યોગ્ય તપાસ કરી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં દાદાવાડી હનુમાન મંદિર, બાપા સીતારામના ઓટા પરથી દાનપેટી, તેમજ અશ્વિનભાઈ બુહા, હિંમતભાઈ કાંકરેચા, પરેશભાઈ કાંકરેચા અને મહેશભાઈ બુહાની વાડીઓમાંથી કેબલ, બેટરી, ઝટકા મશીન સહિતની ચોરીની ઘટનાઓ અંગે પોલીસને માહિતગાર કરવામાં આવી હતી. ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવા તેમજ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરાઈ હતી. આ તકે વિજય કોગથિયા સહિત કોંગ્રેસ કાર્યકરો અને વાડી માલિકો ઉપસ્થિત રહ્યા હતા