(૧) લાલો ફિલ્મથી તમે શું શીખ લીધી ?
રતિલાલ ડાભી (લીલીયા મોટા)
ટેસ્ટર ભેગું રાખવું.
(૨) માણસને સૌથી વધારે કયો ગ્રહ નડે છે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
દુરાગ્રહ.
(૩) જેઠ જેઠાણી બે, રોટલા બનાવ્યા ત્રણ તો દરેકના ભાગે કેટલા રોટલા આવે?
રમાબેન પટેલ (અમદાવાદ)
થોડી દેરની તો દયા ખાવ!
(૪) અમારે ઘેર ક્યારે આવશો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
આ આમંત્રણ છે કે બીક?
(૫) સૈનિક કેમ ગમે એટલો વૃધ્ધ થઈ જાય તો પણ જવાન જ રહે?
ડો. નૈસર્ગી મહેન્દ્ર ભોળા (તાલાલા)
તમે ગમે એટલા પાક્કા હો તો પણ ’ભોળા’ જ કહેવાઓ છો એમ!
(૬) પુતિન ભારત આવ્યા ત્યારે તમે એને મળવા ગયા હતા કે નહીં?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
હું પુતિનને મળવા જાઉં તો ટ્રમ્પ ટેરિફ વધારી દે. મારા લીધે આખા દેશને સહન કરવાનું આવે. એટલે ન ગયો!
(૭) પંચાયત દ્વારા નળમાં અઠવાડિયે એકવાર દારૂનું વિતરણ શરૂ કરવામાં આવે તો ?
કનુભાઈ પરમાર (દામનગર)
તો સ્ત્રીઓને બદલે ઘણા પુરુષો નળ આવવાની રાહ જોતા થઈ જાય.
(૮) ઘણી પત્નીઓ એના પતિઓને આંગળીઓના ટેરવે નચાવે છે, આવી રીતે તમે કેટલી વખત નાચ્યા છો?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા)
હું એવું ભંગાર નાચું છું કે લગ્નપ્રસંગે ડી.જે. વાળા પણ વગાડવા આવવાની ના પાડી દે છે.
(૯) તમને જૂના કલાકારે ગાયેલા ગીત ગમે કે નવા કલાકારે ગાયેલા?
જય દવે (ભાવનગર)
નવા કલાકારે ગાયેલા જૂનાં ગીતો ગમે!
(૧૦) આજે રોકડા કાલે ઉધાર એટલે?
રામભાઈ પટેલ (સુરત)
પેઢી ઊઠી જવાની તૈયારીમાં લાગે છે!
(૧૧) અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે.. કોઈ કોમેન્ટ?
દર્શન પટેલ (વડોદરા)
આપણી નકલ કરીને પાડોશી દેશો કોમનસેન્સ ગેમ્સ યોજશે!
(૧૨) પુતિનની ભારતયાત્રા વિશે કાંઇ કહેશો?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
એ જ કે રશિયાના રાષ્ટ્રપતિ બનવા માટે પણ અંગ્રેજી આવડવું ફરજિયાત નથી.
(૧૩) તમે શિયાળામાં એકને એક ટોપી કેમ પહેરો છો?
વિપુલકુમાર મહેતા (રાજકોટ)
મને ટોપી ફેરવતા આવડતું નથી!
(૧૪) દીકરાને કુલ દિપક કહેવાય તો દીકરીને શું કહી શકાય?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
કુલદીપકની બહેન!
(૧૫) ઈસ્ત્રી અને સ્ત્રીમાં શું ફરક છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
ભણતા ત્યારે સાહેબે સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત નહોતો શીખવાડ્યો?
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































