રાગ – વૈરાગ – ૧૨
ટ્રેન ઝડપથી દોડતી હતી. પરંતુ આનંદનું મન એથી વધુ ઝડપથી દોડતું હતું. રસ્તો ઝડપથી કપાતો ગયો. સાંજે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે રાવજીભાઈ અને કંકુબહેન વાળુ કરવા જ બેસતાં હતાં. આનંદને અચાનક જોઈને તેમને અચંબો થયો.
‘‘લે, તમે?કેમ ઓચિંતા?
‘‘હા, રજા પાડવી પાલવે તેમ નહોતું.’’
“સરસામાન મેડે મૂકતા આવો. પછી ત્રણેય જણ હાર્યે જ વાળું કરી લઈએ.’
‘‘કેમ રૂપા દેખાતી નથી?’’ આનંદે બ્હાવરી આંખે આમતેમ જોતા પૂછ્યું;’’ક્યાંય બહાર ગઈ છે ?’’
‘‘ઈ તો એના મામાને ત્યાં ગઈ છે.’’ કંકુબહેને કહ્યું.
‘‘ઓહ.” આનંદે નિઃશ્વાસ નાખ્યો.
‘‘એના મામા આવ્યા’તા. તે તેડી ગયા. તમે ઘરે ન હો, અમે વાડીએ હોઈએ. એકલી કંટાળી ગઈ હતી. કાલ-પરમ દી’‘ આવવી જોઈએ.’’
‘‘હાલો, વાળુ કરવા.’ રાવજીભાઈએ કહ્યું અને તે લુસ લુસ ખાવા માંડયો.
‘‘આમ તો થોડુંક વહેવારિક કામેય હતું. આનંદભૈ.! રાવજીભાઈ બોલ્યા.
‘‘શું?’’ આનંદે પૂછ્યું, પણ ત્યાં જ કંકુબહેન હોંશભેર બોલ્યાં, ‘મારા ભાઈનાં સાસરિયામાં એક મુરતિયો છે. એટલે ખાસ મારા ભાઈ આવેલા. ઘરબાર મુરતિયો બધું જ સારું છે. તે રૂપલીને હારોહાર મોકલી.’’
મન વિષાદની હેલીમાં તરબોળ હતું. ઊંઘ તો આજ આવવાની જ નહોતી. મળસ્કે ઊંઘ આવી. બીજા દિવસે શાળાએ ગયો. વાતવાતમાં ચંદ્રકાન્તભાઈએ યાદ અપાવ્યું, ‘‘પછી પેલી એસટીની વાત, વીસરી તો નથી ગયાને?’’
આનંદને ઓચિંતાનું યાદ આવી ગયું. ‘‘ઓહ હા, રસ્તા તો તૈયાર થઈ જશે સાહેબ, એની ચિંતા નથી.’‘આગળ કશું બોલ્યા વગર આનંદ ક્લાસરૂમમાં ચાલ્યો ગયો, પણ ભણાવવામાં મન લાગ્યું નહીં. પાંચ વાગ્યે નિશાળ છૂટી અને તે સરપંચને ઘેર ગયો. સરપંચને મળી વાત કરી, ‘નાનામોટા બધા જ ચોરે આવે. સભા રાખવી છે. રસ્તો રિપેર કરવા માટે.’’
“પણ એમાં લોકોની ક્યાં જરૂર પડશે?’’
‘‘એતો હું એ વખતે સમજાવીશ, પણ તમે ઢોલ વગાડીને ગામમાં જાણ કરી દો કે ચોરે બધાએ રાતે ભેગું થવાનું છે. બીજી કોઈ ચિંતા નહીં કરતા.‘‘કહી આનંદ પોતાના ઘરે ગયો.
**
રાત્રે ચોરાનો ચોક હકડેઠક ભર્યો હતો. આનંદે વાત શરૂ કરી, ‘ભાઈઓ અને બહેનો, માતાઓ તથા વડીલો, આઝાદીને વરસોનાં વહાણાં વાઈ ગયાં પણ આપણા ગામમાં બસની સગવડ નથી. તે દિવસે ડેપો મેનેજર આવ્યા. તેમણે રસ્તાનો વાંક કાઢ્યો. એમની વાત સાચી છે. રામગઢથી બાદલગઢના મારગની હાલત ખરાબ છે. એટલે એ રસ્તા ઉપર તેઓ બસ દોડાવવાની હિંમત ન કરી શકે.વોંકળાં છે, ચીકણી માટી છે, ગરનાળા ઉપરથી પાણી વહે છે. રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યાં છે એટલે એમણે સ્પષ્ટ ના પાડી દીધી, પણ આપણે હિંમત હારવાની નથી. તેમને રસ્તો આપણે ચીંધી, બસ દોડાવવાની ફરજ પાડવાની છે. આપણે સહિયારો પ્રયત્ન કરવાના છે. અને એ માટે અહીં આજ બધાને ભેગા કર્યા છે.’ ‘‘હું રાજકારણી નથી. કોઈ મહાન માણસ પણ નથી. હું એક શિક્ષકનો જીવ છું, પણ આ ગામ પ્રત્યે મને લાગણી છે, પ્રેમ છે. આ ગામમાં રહું છું એટલે આ ગામનો માણસ પણ છું. મારે તો બસ તમને એટલું જ કહેવાનું છે, કોઈ પણ ભોગે આ ગામમાં એસટીની બસ ચાલુ થવી જોઈએ. આ વ્યક્તિગત સગવડની વાત નથી. ગામ સમસ્તની સગવડ માટેના પ્રયત્નો છે. તો ઘરદીઠ માત્ર પાંચ કે દસ રૂપિયા ઉઘરાવીને અહીં આપી દેશો તો ગામમાં દોઢસો જેટલાં ઘર છે એટલે પંદરસો રૂપિયા ભેગા થશે. એટલે છ કિલોમીટરના રસ્તામાં જે જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં પથ્થર, સિમેન્ટનું પાક્કું ચણતર કરી સિમેન્ટ કોન્ક્રેટ થી રસ્તો રિપેરિંગ કરી આપશું.. અને બાકીના નિશાળના છોકરાઓ તથા જે યુવાનો પંદરવીસ જણ છે એ લોકો બબ્બે કલાક મને ફાળવશે તો અઠવાડિયામાં રસ્તો કરી, ઉપર જાણ કરી દઈશું. બોલો છે મંજૂર?’
આનંદનો આ વિચાર ગામલોકોને શીરાની જેમ ગળે ઊતરી ગયો.
જવાબમાં બધેથી સમર્થન મળી ગયું.
‘‘તો સૌપ્રથમ આ ડબ્બામાં હું જ વીસ રૂપિયાની પહેલ કરું છું.’’ કહી આનંદે પેટીમાં વીસ રૂપિયા જમા કર્યા. એની વાણીની ગાઢ અસર ઊભી થઈ. લોકો હોંશે હોંશે પૈસા પેટીમાં નાખતા રહ્યા. પરિણામે આનંદનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો.. આવતીકાલે પથ્થર નખાવવાની લોકો સમક્ષ માગણી મૂકી, ચોમાસાનું ટાણું હતું છતાં ચારપાંચ ગાડાં અને પચ્ચીસેક જુવાનિયા તૈયાર થયા. બીજા દિવસથી સહિયારો પુરુષાર્થ શરૂ થઈ ગયો. કામ ઉપર દેખરેખ રાખવા આનંદે એક ટાઈમ જમવાનુંય છોડી દીધું હતું. કામ પૂરું થતાં શિક્ષક પ્રભુદાસને મોકલીને વાહનવ્યવહાર મંત્રીને તથા ડેપો મેનેજરને કામ પૂરું કર્યાની ખબર આપી. ડેપો મેનેજરે એની પીઠ થાબડતાં કહ્યું, ‘તમને. ‘‘તું…’’ કહેતાં મને હોંશ ચડે છે આનંદ ! પણ તારી જેવડી ઉંમરની વ્યક્તિમાં આટલી લીડરશિપ, હોંશિયારી અને વિવેકબુદ્ધિ અને કાર્ય કરી શકવાની તાકાત અને શક્તિ હોય એવું હું માની શકતો નથી.’ આજે તારો પુરુષાર્થ અને ધ્યેય હાંસલ કરવાનો જુસ્સો અને મહ¥વાકાંક્ષા જોઈને તને દાદ આપવાનું મન થઈ જાય છે.’’
‘‘આપનો આભાર સર, પણ ગામને પડતી હાલાકીઓથી હું ખરેખર દુઃખી થઈ ગયો હતો. ગામલોકોની દુઆ તમારી પ્રગતિમાં વધારો કરશે. બસ ક્યારે શરૂ કરો છો સાહેબ?’’
‘‘ હુકમ થતાં અઠવાડિયું નીકળી જશે.’’
ખરેખર અઠવાડિયા પછી બાદલગઢમાં પાદરમાં ઊભેલી એસ.ટી .બસને જોઈને ગામના
આબાલવૃદ્ધો, સ્ત્રીપુરુષોનાં હૈયેથી જે દુઆ ઊઠી તે દુઆનો ભાગીદાર હતો એક આનંદ, બીજો ડેપો મેનેજર! એક મહાન સત્કર્મ કર્યાનો પરિતોષ આનંદના ચહેરા પર ઝળકતો હતો. અને ત્રીજે દિવસે એ જ બસમાંથી રૂપા ઊતરી ત્યારે આનંદને લાગ્યું કે આટલા દિવસ સુધી હૈયાના સૂનાં બગીચામાં રૂપા નામની કોયલે આવીને એ બગીચાને પોતાના સૂરીલા ટહુકારથી ભર્યો ભર્યો કરી દીધો છે.. રૂપા ના વસ્ત્રોમાંથી આજે આવી રહેલી કોઈ મીઠી મીઠી સોડમે તેના અંતર તલને બાગ બાગ કરી દીધું! (ક્રમશઃ)