રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં વ્યાજખોરોના અમાનુષી ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક ૨૮ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત ઓગસ્ટ ૨૦૨૫માં બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં, મૃતકની માતાએ મહિનાઓ બાદ આખરે હિંમત ભેગી કરીને ચાર કથિત વ્યાજખોરો વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ભાયાવદરમાં રહેતો ૨૮ વર્ષીય રવિ મકવાણા અગાઉ સિદસરની ગૌશાળામાં કામ કરતો હતો અને છેલ્લા કેટલાક સમયથી ખેતીકામ તરફ વળ્યો હતો. ખેતીના વ્યવસાય માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેણે સ્થાનિક સ્તરે ઊંચા વ્યાજે નાણાં ધીરતા વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. રવિએ અલગ-અલગ સમયે દેવાંગ વિરડા પાસેથી રૂ. ૭ લાખ, જસ્મીન ચાવડા પાસેથી રૂ. ૩ લાખ, મિહિર ચોવટીયા પાસેથી રૂ. ૫૦ હજાર અને ઇન્દ્રજીતસિંહ ચૌહાણ પાસેથી રૂ. ૩ લાખ વ્યાજે લીધા હતા.
શરૂઆતમાં વ્યાજ અને મુદ્દલની નિયમિત ચુકવણી કરવા છતાં, વ્યાજનો આંકડો સતત વધતો રહ્યો હતો. આરોપીઓ દ્વારા દર મહિને મોંઘા દરે વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. રવિ જ્યારે રકમ ચૂકવવામાં અસમર્થ બનતો, ત્યારે આ ચારેય વ્યક્તિઓ દ્વારા તેને સતત ફોન પર તેમજ રૂબરૂ આવીને જાહેરમાં બિભત્સ ગાળો આપવામાં આવતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી.
ઘટનાના દિવસે સવારે રવિએ તેની ૫૩ વર્ષીય માતા નિર્મળાબેન મકવાણા સમક્ષ રડતા રડતા આપવીતી જણાવી હતી કે, તમામ વ્યાજખોરોએ મુદ્દલ કરતાં પણ વધુ રકમ વસૂલ કરી લીધી હોવા છતાં તેઓ સતત દબાણ અને ધમકીઓ આપી રહ્યા છે. માતાએ તેને સાંત્વના આપી હિંમત રાખવા કહ્યું હતું, પરંતુ આ માનસિક પ્રેશર યુવક સહન કરી શક્યો નહીં.
બપોરના સમયે જ્યારે તેની માતા બેંકના કામે બહાર ગયા હતા, ત્યારે રવિએ ઘરમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા ઘરે પરત ફરતા પુત્રને લટકતી હાલતમાં જોઈ ચીસ પાડી ઉઠ્યા હતા અને આજુબાજુના લોકોની મદદથી તેને તાત્કાલિક ભાયાવદર સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ વ્યાજચક્રની કાળી સચ્ચાઈ સામે લાવતા મૃતકની માતા નિર્મળાબેને ચારેય આરોપીઓ વિરુદ્ધ મ્દ્ગજીની કલમ ૧૦૮, ૩૦૮(૫), ૩૫૨ અને મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ કેસમાં નાણાકીય વ્યવહારોના દસ્તાવેજા, મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી વ્યાજખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.