જૂનાગઢમાં ગિરનાર જંગલ નજીકથી એક સિંહબાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગ, પોલીસ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. ગુમ થયેલા સિંહબાળની શોધખોળ દરમિયાન રહેણાક વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, ગિરનાર જંગલને અડીને આવેલા વાણંદ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે એક સિંહબાળ કૂવામાં પડી ગયું હતું. વન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી સફળ રેસ્ક્્યુ ઓપરેશન દ્વારા સિંહબાળને બહાર કાઢ્યું હતું. જોકે ત્યારબાદ વધુ એક સિંહબાળ ગુમ હોવાનું જાણવા મળતાં વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે શોધખોળ શરૂ કરી હતી.
આજે સઘન તપાસ દરમિયાન ગિરનાર જંગલ નજીકના રહેણાક વિસ્તારમાંથી ગુમ થયેલા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર ઇજાના કેટલાક નિશાન જોવા મળ્યા હોવાથી મોતનું કારણ સ્વાભાવિક છે કે કોઈ હુમલાનું પરિણામ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ઇનફાઇટ (સિંહો વચ્ચેની અથડામણ) સહિત તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.મૃતદેહ ને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫ની વસ્તી ગણતરી અનુસાર ગિરનાર જંગલ વિસ્તારમાં આશરે ૫૪ સિંહો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી ઇવનગર, વિજાપુર, ડુંગરપુર, મધુરમ, પ્લાસવા સહિત ગિરનારને અડીને આવેલા અનેક રહેણાક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી હોવાનું જોવા મળી રહ્યું છે. અનેક વખત સિંહોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહ્યા છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. વન્યજીવોની સુરક્ષા અને માનવ વસાહતોની નજીક વધતી તેમની અવરજવર અંગે પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હાલ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણોની રાહ જોવાઈ રહી છે, જે બાદ સિંહબાળના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.