સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની સીઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. અંદાજે ૧.૫૦ લાખ ગુણી ધાણાની આવક નોંધાતા યાર્ડ ધાણાથી ઊભરાયું હતું. આગામી દિવસોમાં હોળી-ધુળેટીનો પર્વ આવતો હોય મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને યાર્ડ ખાતે આવ્યા હતા. યાર્ડ દ્વારા નવી ખરીદ કરેલ જમીન ઉપરાંત યાર્ડના બે છાપરા નીચે ધાણા ઉતારવામાં આવ્યા હતા. મેદાનમાં જગ્યા ટૂંકી પડી હતી અને લોકોની દુકાન બહાર ધાણા ઉતારવાની ફરજ પડી હતી.માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે. યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગુરુવારે સવારથી યાર્ડની બહાર લાંબી કતાર લગાવી દેવામાં આવી હતી. હરરાજીમાં ખેડૂતોને ધાણા ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૧૫૧/- થી ૨૩૦૧/- સુધીના બોલાયા
હતા. તેમજ ધાણીના ભાવ રૂપિયા ૧૨૫૧/- થી ૩૬૦૦ સુધીના બોલાયા હતા. હરરાજીમાં દરરોજની ૩૫થી ૪૦ હજાર ગુણીનો નિકાલ થાય છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.








































