રાજુલાના ઊંટીયા ગામે “સાયકલનો કેમ મારી ભત્રીજી તરફ ઘા કરો છો?” તેમ કહી માથાકૂટ થઈ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. પ્રથમ પક્ષે ભાણાભાઈ મંગાભાઈ પરમાર (ઉં.વ. ૫૨)એ જીવણભાઈ ચીથરભાઈ પરમાર, ચીથરભાઈ હરીભાઈ પરમાર, ઉગાભાઈ હરીભાઈ પરમાર તથા વિનુભાઈ હરીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, તેમના ભાઈ હીરાભાઈએ શેરીમાં રમતા બાળકની સાયકલ લેતાં જીવણભાઈ પરમારે “સાયકલનો કેમ મારી ભત્રીજી તરફ ઘા કરો છો?” તેમ કહી માથાકૂટ કરી હતી. જેથી તેઓ તેમને સમજાવવા જતાં આરોપીઓ બંને ભાઈઓને ગાળો આપવા લાગ્યા હતા. તેમજ લોખંડના પાઈપથી હીરાભાઈના કપાળ ઉપર એક ઘા મારી ઈજા કરી હતી તથા ભાણાભાઈને પણ લોખંડના પાઈપનો એક ઘા મારી ડાબા હાથની કોણી ઉપર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત શરીરે મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે બીજા પક્ષે જીવણભાઈ ચીથરભાઈ પરમાર (ઉં.વ. ૩૦)એ હીરાભાઈ મંગાભાઈ પરમાર, અશ્વિનભાઈ લખમણભાઈ પરમાર, લખમણભાઈ મંગાભાઈ પરમાર, ભાણાભાઈ મંગાભાઈ પરમાર, લાલભાઈ ભાણાભાઈ પરમાર અને ચાર મહિલાઓ સહિત કુલ નવ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરની આગળ તેમના મોટાભાઈની દીકરી બીજા બાળકો સાથે રમતી હતી. આ વખતે હીરાભાઈ પરમારે સાયકલનો ઘા કરતાં તેમણે ઠપકો આપ્યો હતો. જે તેમને સારું ન લાગતાં તેમણે જેમ ફાવે તેમ ગાળો આપી જીવણભાઈના જમણા હાથના બાવડા પર બટકું ભરી લીધું હતું. તેમજ અન્ય આરોપીઓએ તેમને શરીરે ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.એ. ચૌહાણ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.










































