ટેકનોલોજીના આ યુગમાં સાયબર ગઠિયાઓ અવનવા કીમિયા અપનાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જાફરાબાદ તાલુકાના દુધાળા ગામેથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક અજાણ્યા સાયબર ભેજાબાજે વોટ્સએપ હેક કરીને અને નકલી બેંકિંગ એપ્લિકેશન મોકલીને બેંક ખાતામાંથી રૂ. ૪,૭૯,૯૯૬ની ઓનલાઇન છેતરપિંડી આચરી હતી.આ અંગે પરેશગીરી ભુપતગીરી ગોસ્વામી (ઉં.વ. ૩૪)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત તારીખ ૨૧/૦૫/૨૦૨૬ના રોજ બપોરે આશરે પોણા બાર વાગ્યાના સુમારે આ સાયબર ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીએ છેતરપિંડી કરવાના ઈરાદે અરવલ્લી (મોડાસા)ના રહેવાસી સંજયભાઈ ખાંટનો વોટ્સએપ મોબાઈલ નંબર હેક કરી લીધો હતો. ત્યારબાદ, હેક થયેલા આ વોટ્સએપ એકાઉન્ટ પરથી ફરિયાદીના વોટ્સએપ નંબર પર ‘BOI Aadhar Card Update.apk’ નામની એક એપ્લિકેશન મોકલવામાં આવી હતી. આરોપીએ ફરિયાદીને એવું દર્શાવ્યું હતું કે આ બેંક ઓફ ઈન્ડિયા (BOI)નું ઓફિશિયલ KYC અપડેટ કરવાની ફાઈલ છે.ફરિયાદીએ પોતાના પરિચિત વ્યક્તિના વોટ્સએપ પરથી મેસેજ આવ્યો હોવાથી વિશ્વાસ રાખીને જેવી આ એપ્લિકેશન ઓપન કરી, કે તરત જ સાયબર ગઠિયાએ કપટપૂર્વક ફરિયાદીના આખા મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લીધું હતું. મોબાઈલનું એક્સેસ મળતાં જ ફરિયાદીની જાણ બહાર, આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી તેમના ફોનમાં રહેલી બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ બેંકિંગ એપની ગુપ્ત વિગતો ચોરી લીધી હતી. આ વિગતોના આધારે ગણતરીની મિનિટોમાં કુલ રૂ.૪,૭૯,૯૯૬ની માતબર રકમ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. જાફરાબાદ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આર. વસૈયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.










































