ગુજરાત રાજ્યમાં તલાટીઓની હડતાળને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કામગીરી પ્રભાવિત થઈ છે. સાવરકુંડલા તાલુકા પંચાયતના સભ્ય નિર્મળ વાટલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તલાટીઓની હડતાળના કારણે જન્મ-મરણ નોંધણી, આવક, જાતિ અને રહેઠાણના પ્રમાણપત્રો જેવી મહત્વની કામગીરી અટકી પડી છે. સરકારી યોજનાઓના લાભ મેળવવા તથા પંચાયત કચેરીના વિવિધ કામોમાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ગરીબ,વૃધ્ધો, મહિલાઓ અને ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. વાટલિયાએ હડતાળ અંગે તાત્કાલિક ચર્ચા કરી ઉકેલ લાવવા તેમજ ગ્રામ પંચાયતની કામગીરી ચાલુ રહે તે માટે વૈકલ્પિક કર્મચારીઓની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ઉપરાંત પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે વિશેષ કેમ્પ યોજવા પણ રજૂઆત કરી છે.