શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય સતીશ ધામી નામના ભુવા દ્વારા તાંત્રિક વિધિના નામે અમદાવાદના જજીસ બંગલા વિસ્તારમાં રહેતા પરમાર પરિવાર સાથે ૨૪ લાખથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. જયંતીલાલ પરમારના ઘરમાં થતા કંકાસ તેમજ પત્નીના પગમાં થતો દુખાવો તેમજ નાના દીકરાની સગાઈ તેમજ મોટા દીકરાના ઓસ્ટ્રેલિયા ખાતે પી.આર.નું નિરાકરણ ધાર્મિક વિધિથી કરાવી આપવાની લાલચ આપી હતી. જેમાં વિધિના નામે ૨૪ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે બનાવ સંદર્ભે કરિયાણાના વેપારી ૫૫ વર્ષીય જયંતીલાલ પરમાર દ્વારા ગત ચોથી ફેબ્રુઆરીના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ ૩૧૮ (૪), ૩૫૪ સહિતની કલમ અંતર્ગત ગુનો સતીષ ધામી વિરુદ્ધ દાખલ કરાવવામાં આવ્યો હતો. ત્યારે બનાવ સંદર્ભે ૫ તારીખના રોજ ભકિતનગર પોલીસ દ્વારા ભુવા તરીકે જાણીતા સતીષ ધામીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં જયંતીલાલ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોટો દીકરો હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે. તેમજ તેની સાથે રહેતા મિત્ર પાર્થ ચોવટીયાએ તેમને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે રહેતા ચમત્કારી સતીષ તેમની પાસે ચમત્કારિક કામ કરાવવામાં આવે તો ઘરમાં ઘરકંકાસ નહીં થાય. જેથી જયંતીલાલ પરમારનો દીકરો અંકિત પરમાર પોતાના મિત્ર પાર્થ ચોવટીયાના માધ્યમથી સતીષ ધામીના સંપર્કમાં આવ્યો હતો. અવારનવાર બંને વચ્ચે વોટ્સએપ કોલથી વાતચીત થતી હતી.
ધામીએ અંકિત પાસેથી તમામ માહિતી મેળવી હતી. તેમજ ધાર્મિક વિધિ કરાવવા માટે કટકે કટકે ૨૪ લાખથી વધુની રકમ ઓનલાઈન તેમજ રોકડમાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. તેમજ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા અંકિતના પી.આર.ની સમસ્યાનું નિરાકરણ સહિતની ઘરકંકાસને લગતી સમસ્યાનું નિરાકરણ નહીં આવતા જયંતીલાલ પરમાર દ્વારા પોતાના દીકરા અંકિત સાથે વાતચીત કરી હતી. તેમજ અંકિતે ભુવાનો સંપર્ક સાધતા તેણે વધુ રૂપિયાની માંગણી કરી હતી. આમ, પરમાર પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું છે. જયંત પંડ્યાએ આ અંગે જણાવ્યું છે કે, આરોપી ધામી છેલ્લા ૩૦ વર્ષથી ભુવો બનીને દાણા જાવાનું કામકાજ કરે છે. લોકોનું દુઃખ દર્દ મટાડવાનો દાવો પણ કરે છે. ત્યારે ભુવાના શિકાર કોઈ બન્યા હોય તો તેમણે આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવી જાઈએ.








































