૪ મહિનામાં ૧૩૧ સગીરાઓ ગર્ભવતી! મહેસાણા જિલ્લામાં આ ચોંકાવનારો આંકડો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગે આપેલા એપ્રિલ ૨૦૨૬થી જુલાઈ ૨૦૨૬ એમ ૪ મહિનાના ડેટા અનુસાર, ૧૩૧ સગીરાઓ ચોપડે ગર્ભવતી નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ તમામ ૧૩૧ સગીરાઓ બાળ લગ્ન કે અન્ય કારણોસર ગર્ભવતી બની તે અંગે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં ૪ મહિનામાં ૧૩૧ સગીરાઓ ગર્ભવતી હોવાની માહિતી સામે આવી છે. અઢાર વર્ષથી નાની વયની આ તમામ સગીરાઓની ટેકો પોર્ટલ પર એન્ટ્રી કરાઈ છે. આ તમામ ૧૩૧ ગર્ભવતી સગીરાઓને સગર્ભ મહિલાઓને અપાતી તમામ સારવાર આરોગ્ય વિભાગ આપી રહ્યું છે. પરંતુ આટલી નાની ઉંમરે આટલી બધી દીકરીઓ ગર્ભવતી કઈ રીતે બની? તે મોટો સવાલ ઉભો થયો છે.માત્ર ૪ મહિનામાં ૧૩૧ જેટલી સગીરા ગર્ભવતી બનવા પાછળ બે કારણો સામે આવી રહ્યા છે. દાવો થઈ રહ્યો છે કે, આટલો આંકડો સામે આવતા જિલ્લામાં મોટી માત્રામાં બાળ લગ્ન થયા હોઈ શકે છે, અથવા તો કારણ જિલ્લામાં દુષ્કર્મના કેસમાં વધારો થયો હોઈ શકે છે. ત્યારે હાલ તો આરોગ્ય વિભાગ આ ૧૩૧ સગીરાઓ બાળ લગ્નનો શિકાર થઈ છે કે પછી કોઈ અન્ય કારણોસર તે ગર્ભવતી બની તે અંગે તપાસ શરૂ કરાઈ છે અને નિયમ અનુસાર સમાજ કલ્યાણ વિભાગને આગળની કાર્યવાહી સોંપાઈ છે.સમગ્ર મામલે મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી પ્રવીણ પટેલે જણાવ્યું કે, એપ્રિલ ૨૦૨૬થી ૨૨ જુલાઈ ૨૦૨૬ સુધી દરમિયાન કુલ ૧૩૧ સગીર વયની બાળકીઓ કે જેમની ઉંમર ૧૮ વર્ષ નીચે છે. તે ગર્ભવતી હોવાની અમારી પાસે નોંધણી છે. આ જાણકારી દરેક તાલુકામાં આરોગ્ય વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા આ નોંધણી કરાયા બાદ સામે આવી છે, આ નોંધણી આધારકાર્ડના આધારે થતી હોય છે. એવું ચોક્કસપણે તો નહીં કહી શકાય કે, આ તમામ ૧૩૧ ગર્ભવતી દીકરીઓના બાળલગ્ન થયા હોય! જેથી આ મામલે હવે સરકારના નિયમ અનુસાર કાર્યવાહી થશે.








































