નવજાત બાળકની તસ્કરીના ગંભીર મામલાનો પર્દાફાશ થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે-૪૮ પર લેજન્ડ હોટલ નજીક એક બસમાંથી દંપતીને ઝડપી પાડીને ૮ દિવસના નવજાત બાળકને મુક્ત કરાવ્યું છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે, બાળકને મુંબઈના એક કથિત ડોક્ટરને રૂ.૩ લાખમાં વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો. આ મામલે દંપતી સહિત કુલ ૮ લોકો સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-મુંબઈ હાઈવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. લેજન્ડ હોટલ નજીક ઉભેલી એક બસમાં તપાસ કરતા પોલીસે મહેસાણા-પાટણ વિસ્તારના દંપતીને બાળક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને દંપતી મનોજભાઈ કેશાભાઈ રાવળ અને તેમના પત્ની વિણાબેન રાવળ (રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર, જી. પાટણ) પાસેથી ૮ દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું. તેમની સાથે તેમનો ૮ વર્ષનો પુત્ર પણ હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, નવજાત બાળકને મુંબઈના એક કથિત ડોક્ટર સુધી પહોંચાડવાનો સોદો રૂ.૩ લાખમાં નક્કી થયો હતો. આ રકમમાંથી રૂ.૨ લાખ બાળકના માતા-પિતાને આપવાના હતા. રૂ.૧૦ હજાર દલાલી પેટે નગીન નામના વ્યÂક્તને મળવાના હતા. બાળકને મુંબઈ પહોંચાડવા બદલ મનોજભાઈ અને વિણાબેનને રૂ.૨૦ હજાર મળવાના હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વિણાબેનના ભાઈ સુનિલ રાવળ અને દલાલ શ્રવણ પારગીએ મુંબઈના કથિત ડોક્ટર સાથે સંપર્ક કરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી મહેસાણા-પાટણથી મુંબઈ સુધી બાળ તસ્કરીનું નેટવર્ક ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે બચાવેલા ૮ દિવસના નવજાત બાળકને તાત્કાલિક સારવાર અને સંભાળ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.હાલ બાળકની તબીબી તપાસ અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ મામલે વડોદરા પોલીસે કુલ ૮ લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં મનોજ રાવળ ,વિણાબેન રાવળ, સુનિલ રાવળ, નગીન નામનો વ્યક્ત,દલાલ શ્રવણ પારગી,બાળકના કથિત માતા-પિતા (બે અજાણ્યા વ્યક્તઓ) અને મુંબઈનો કથિત ડોક્ટરનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અને બાળ ન્યાય અધિનિયમ ૨૦૧૫ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ કૌભાંડ સાથે જાડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.