સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ તે પહેલા કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત થઈ છે. આજે વહેલી સવારથી જ વડોદરા અને અમદાવાદમાં કોંગ્રેસને એકપછી એક મોટા ઝટકા મળી રહ્યો છે. અનેક બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે.
વડોદરામાં વોર્ડ નંબર ૧૧ના કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ અચાનક ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. કનુભાઈ જ્યારે ફોર્મ પરત ખેંચવા કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. કલેક્ટર કચેરીની બહાર જ કનુભાઈની ગાડીમાં ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સત્તાના જારે અને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને ચૂંટણી જીતવા માટે આ પ્રકારના ખેલ કરી રહી છે. બીજી તરફ, વોર્ડ નંબર ૨માં પણ કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ છે.
અમદાવાદમાં તો મતદાન પહેલા જ કોંગ્રેસે મોટી હારનો સામનો કરવો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અલગ-અલગ વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ખેંચતા ભાજપને સીધો ફાયદો થયો છે. થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચતા અહીં ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે સરખેજ વોર્ડમાં કોંગ્રેસને એક નહીં પણ બે ઝટકા લાગ્યા છે. પહેલા ભરતભાઈ ભરવાડે ફોર્મ ખેંચ્યું હતું અને હવે વારિસ સૈયદે પણ પીછેહટ કરતા આ બેઠક પર કોંગ્રેસનું પત્તું કપાઈ ગયું છે. વાસણા વોર્ડમાં ઓબીસી મહિલા ઉમેદવારનું ફોર્મ સમયસર ન ભરાતા આ બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી જતી રહી છે.
અમદાવાદ અને વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષોના ઉમેદવારો પીછેહટ કરી રહ્યા છે. કોંગ્રેસે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યું છે. અમારા ઉમેદવારોને ડરાવી-ધમકાવી કે લાલચ આપીને ફોર્મ પરત ખેંચાવાય રહ્યા છે.” ચૂંટણી પહેલાના આ ‘રાજકીય સર્જિકલ સ્ટ્રાઈક’ થી મતદારોમાં પણ ભારે ચર્ચા જાગી છે.









































