બગસરા શહેરના ઇતિહાસમાં સતત ત્રીજી વખત આગામી તારીખ ૧૫ના રોજ મહાશિવરાત્રીના પાવન અવસર પર ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વિશેષ રૂપે મહાદેવની સાથે માતાજી પણ પાલખીમાં બિરાજમાન થશે. આ માટે સનાતન ગ્રુપ દ્વારા શહેરને ધ્વજા-પતાકાથી શણગારવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ પાલખી યાત્રા રત્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થશે, જ્યાં અંતમાં રાજોપચાર મહાઆરતી કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે ૯ કલાકે સાતલ તારા કાંઠે ગુજરાતના પ્રખ્યાત કવિઓ દ્વારા કાવ્ય પઠનનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, કિરાણા એસોસિયેશન અને પેસેન્જર એસોસિયેશન જેવી સંસ્થાઓ દ્વારા તમામ વેપારીઓને પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને આ યાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.









































