રાજ્યમાં વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે હવામાનમાં અચાનક પલટો આવતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા વગર ધીમી ધારે વરસાદ શરુ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. બુધવારે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજકોટ અને જામનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. ભર શિયાળે પડેલા આ વરસાદને કારણે સૌથી વધુ ચિંતા જગતનો તાત (ખેડૂતો) અનુભવી રહ્યો છે. હાલમાં રવિ પાક તેની મુખ્ય અવસ્થામાં છે, ત્યારે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જીરું અને ચણાના પાકોમાં ફૂગ આવવાની અને પાક બળી જવાની ભીતિ છે. તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ આ વરસાદથી નુકસાન થવાની શક્યતા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ પલળી ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ અનેક તાલુકાઓમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જાવા મળ્યુ હતું. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.









































