સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ફોર ટ્રેક રોડના અભાવે વિકાસ રૂંધાઈ રહ્યો છે ત્યારે બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બાબરાથી અમરેલી સુધીના NH-૩૫૧ ને તાત્કાલિક ફોર ટ્રેક બનાવવાની રજૂઆત કરી છે. આ માર્ગ પર વધતા જતા ટ્રાફિક અને અકસ્માતોને નિવારવા તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે આ રજૂઆત કરવામાં આવી છે. બાબરા એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી બાબરાથી અમરેલી તરફ જતો વાહનવ્યવહાર ખૂબ જ વધારે રહે છે. હાલનો નેશનલ હાઈવે ૩૫૧ સાંકડો અને અપૂરતો હોવાને કારણે અહીં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. રસ્તાની અપૂરતી પહોળાઈ અને અયોગ્ય માર્ગોના કારણે સમયનો વ્યય થાય છે અને વિકાસમાં અવરોધ આવે છે. આ ઉપરાંત, આ માર્ગ પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે જેમાં જાન-માલનું મોટું નુકસાન થાય છે. રસ્તા પર આવેલું એકમાત્ર રેલવે ક્રોસિંગ પણ ટ્રાફિક સમસ્યાને વધુ વિકટ બનાવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુન્નાભાઈ મલકાણે આ અંગે જણાવ્યું હતું કે, અમરેલી શહેર અને જિલ્લાના ૧૦ જેટલા મુખ્ય શહેરો સુધી પહોંચવા માટે ક્યાંય ફોર ટ્રેક સુવિધા નથી.