પાટણના ચાણસ્મા તાલુકાના ભાટસર અને ઈટોદા ગામે દેશી દારૂનું સેવન કરનારા બે વ્ક્તીઓના મોત નિપજ્યા છે. મોતના પગલે પરિવારમાં શોક વ્યાપ્યો છે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં જામનગરમાં લઠ્ઠાકાંડના પગલે ૧૩ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચાણસ્મા તાલુકાના બે ગામડા ભાટસર અને ઈટોદામાં આ દેશી દારૂના કારણે બે લોકોના મોત નિપજ્યાં. જેમાં ભાટસર ગામે છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂનું સેવન કરનારા આધેડ રમેશભાઈ રાવળ જ્યારે ઈટોદરા ગામે દેશી દારૂ પીધા બાદ ૩૫ વર્ષના લાભુજી ઠાકોરનું મોત થયું. ધારાસભ્ય દિનેશ ઠાકોરે મૃતકોના પરિવારની મુલાકાત કરીને સાંત્વના આપી. મૃતકોના પરિવારજનોએ દારૂબંધીના ચુસ્ત અમલની માંગણી કરી. ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે દારૂના સેવનથી મહામુલી જિંદગીઓ અકાળે મોતને ભેટે છે. જિલ્લામાં દારૂ જુગારની બદીઓ બંધ કરાવવાની જવાબદારી પાટણ પોલીસની છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગૂ હોવા છતાં પણ દારૂથી મોતના કેસ સામે આવી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૬માં ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી અને વરતેજ વિસ્તારમાં નકલી દારૂ પીવાના મામલે અનેક લોકોની તબિયત લથડી હતી અને ૧૩ લોકો મોતને ભેટ્યા હતા. ભાવનગર લઠ્ઠાંકાડમાં ૧૪ આરોપીઓની ધરપકડ થઈ છે અને જેલને હવાલે કરાયા છે.









































