ખાંભા તાલુકામાં આંગણવાડી કાર્યકરો માસ સીએલ (CL) પર ઉતરી હડતાળ કરી છે. જેના કારણે ખડાધાર, ડેડાણ અને ખાંભા સહિતના અનેક આંગણવાડી સેન્ટરો બંધ રહ્યા હતા. કાર્યકર બહેનોએ વિરોધ પ્રદર્શિત કરવા રેલી સ્વરૂપે ખાંભા મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. આંગણવાડી કાર્યકરોનો મુખ્ય મુદ્દો કામના બોજમાં નોંધપાત્ર વધારો છે. MMY(મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના) સહિત સગર્ભા માતાઓથી લઈને છ વર્ષ સુધીના બાળકોની વિવિધ કામગીરીનો ભાર આંગણવાડી બહેનો પર વધારવામાં આવ્યો છે. આ વધારાના કામને કારણે તેઓ ભારે દબાણ અનુભવી રહ્યા છે. પગાર વધારો ન થતા આંગણવાડી કાર્યકરોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં પણ તેમના પગાર વધારા અંગે કોઈ ઉલ્લેખ ન હોવાથી તેમની નારાજગી વધી છે.








































