અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધારીના ખોડિયાર ડેમના ૯ દરવાજા ખોલવામાં આવતા સરંભડા ગામની નદીમાં અચાનક ધસમસતો પૂરનો પ્રવાહ આવ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે ૮ વાગ્યે નદીના પટમાં હાજર શરદભાઈ મગનભાઈ કાછડીયા પાણીના તેજ વહેણમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સતત ચાલેલી શોધ કામગીરી બાદ આજે સવારે આશરે ૯ વાગ્યે નદીના પટમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નદી કિનારે ન જવા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.








































