તોરી ગામે આંગણ મિલન ઉત્સવ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સગર્ભા માતાઓ, કિશોરીઓ તથા બાળકોના પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો તેમજ સરકારની પોષણલક્ષી સેવાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં સરપંચ પરેશભાઈ કોટડીયા, પંચાયતના સભ્યો વિપુલભાઈ ડાંગર અને કિશોરભાઈ વાળા, તોરી પોસ્ટ ઓફિસના જીડીએસ અંકિતભાઈ તળાવીયા, એફ.એચ.ડબલ્યુ. અસ્મિતાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDSના સુપરવાઇઝર સુનીતાબેન માલણકિયા, આશા બહેનો, આંગણવાડી વર્કર-હેલ્પર બહેનો તેમજ ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી વર્કર અને સુપરવાઇઝર દ્વારા કુપોષણ દૂર કરવા માટે નિયમિત તથા પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકો તથા મહેમાનોને સુખડી અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરપંચ પરેશભાઈ કોટડીયા દ્વારા આંગણવાડી વર્કર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.







































