જામનગર-રાજકોટ હાઈવે પર વીકેન્ડની મજા માણવા ગયેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાઈવે પર જાંબુડા પાટિયા નજીક આવેલા પ્રખ્યાત હોલીડે રિસોર્ટમાં સ્વીમિંગ પૂલમાં ન્હાવા પડેલા એક ૯ વર્ષના માસૂમ બાળકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પરિવારની નજર સામે જ વહાલસોયા બાળકે દમ તોડી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.
મળતી વિગતો અનુસાર, જામનગરમાં રહેતો ૯ વર્ષનો હર્ષ કિરીટભાઈ પરમાર નામનો બાળક પોતાના પરિવારના સભ્યો સાથે વીકેન્ડની રજાઓ ગાળવા અને ગરમીથી રાહત મેળવવા માટે જાંબુડા પાટિયા પાસેના હોલીડે રિસોર્ટમાં ગયો હતો. પરિવારના અન્ય સભ્યો સાથે હર્ષ પણ ભારે ઉત્સાહમાં આવીને રિસોર્ટના સ્વીમિંગ પૂલમાં ન્હાવા માટે પડ્યો હતો. આખો પરિવાર પૂલમાં આનંદ-પ્રમોદ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક જ હર્ષ રમતા-રમતા પૂલના ઊંડા પાણીવાળા ભાગ તરફ ચાલ્યો ગયો હતો.
પૂલના ઊંડા પાણીમાં ગયા બાદ હર્ષ અચાનક ડૂબવા લાગ્યો હતો. ક્ષણભરમાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પેટમાં વધુ પડતું પાણી ભરાઈ જવાને કારણે તે સ્વીમિંગ પૂલની અંદર જ બેભાન થઈ ગયો હતો. બાળકની આ સ્થિતિ જાઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. ભારે જહેમત અને દોડધામ બાદ પરિવારના સભ્યોએ હર્ષને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
બાળક અર્ધમૃત અને બેભાન અવસ્થામાં હોવાથી તેને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાકે, હોસ્પીટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. તબીબોના આ શબ્દો સાંભળતા જ હોસ્પીટલ પરિસરમાં જ પરિવારજનોએ ભારે આક્રંદ શરૂ કરી દીધું હતું.
આ ચકચારી અને હૃદયદ્રાવક ઘટના અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. શેખે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના સાંજના આશરે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પીટલ દોડી ગયો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી, રિસોર્ટના સ્વીમિંગ પૂલ ખાતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાને પગલે હવે રિસોર્ટ પ્રશાસનની ઘોર બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે સ્વીમિંગ પૂલમાં ઊંડો ભાગ હોય, ત્યારે ત્યાં પૂરતી સુરક્ષા કે લાઈફગાર્ડ કેમ તૈનાત નહોતા? સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં આ મામલે કડક તપાસની માંગ ઉઠી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ પરિવાર પોતાનો વહાલસોયો ન ગુમાવે. હાલ પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.