જાફરાબાદ ખાતે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી ખાતે પીપાવાવ મરીન ટાસ્ક ફોર્સ, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક પી. એમ. પરમારની ઉપસ્થિતિમાં માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દરિયામાં માછીમારી કરતી વખતે કોસ્ટલ સુરક્ષા અને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ માછીમાર કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ માછીમાર કિસાન ક્રેડિટ કાર્ડનો વધુમાં વધુ લાભ લેવા માછીમારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા એક્સેસ પાસ અંગે માહિતી આપી તમામ બોટ માલિકોને વહેલી તકે પાસ મેળવવા અપીલ કરવામાં આવી હતી.
ઉપરાંત બોટમાં લગાવવામાં આવતા ટ્રેકિંગ ડિવાઇસ અને ટ્રાન્સપોન્ડરના મહત્વ તેમજ આપત્તિના સમયે તેની ઉપયોગિતા વિશે સમજ આપવામાં આવી હતી. મરીન પોલીસના અધિકારીઓએ સાયબર સુરક્ષા અંગે પણ જરૂરી સાવચેતીઓથી માછીમારોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ માછીમારોમાં સુરક્ષા અને સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો.




































