જાફરાબાદના દરિયાકાંઠે નાળિયેરી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે માછીમાર સમાજ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય દરિયા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખારવા સમાજના આગેવાનો, માછીમારો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દરિયાદેવની પૂજા-અર્ચના કરી હતી. દરિયા પૂજન દરમિયાન દૂધ, ફૂલહાર સહિતની પૂજાસામગ્રી અર્પણ કરી દરિયામાં નાળિયેર વધેરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓએ પોતાના પિતા, પતિ અને પુત્રો દરિયો ખેડવા જાય ત્યારે તેમની સલામતી જળવાઈ રહે તેમજ દરિયાદેવની કૃપા સમગ્ર પરિવાર પર બની રહે તેવી ભાવભીની પ્રાર્થના કરી હતી. નાળિયેરી પૂનમ માછીમાર સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માછીમારો સુરક્ષિત અને સુખદ માછીમારીની મોસમ માટે દરિયાદેવને પ્રાર્થના કરે છે. કાર્યક્રમથી દરિયાકાંઠે ભક્તિમય માહોલ છવાયો હતો.